Get The App

વિદ્યાર્થીઓને વાહનોમાં ભરી સરકારી કાર્યક્રમોમાં લઈ જવાય છે, તેના માટે કોઈ ગાઇડલાઇન કેમ નહીં?

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓને વાહનોમાં ભરી સરકારી કાર્યક્રમોમાં લઈ જવાય છે, તેના માટે કોઈ ગાઇડલાઇન કેમ નહીં? 1 - image


School Students Guidelines in Gujarat : રાજ્ય સરકારે શાળા પ્રવાસ અંગે માર્ગદર્શિકા બહાર પાડી, કેટલાક નિયમો નિર્ધારીત કર્યા છે. વિદ્યાર્થીઓને ફક્ત પ્રવાસ માટે જ શાળાની બહાર લઈ જવામાં નથી આવતા. ઘણી વખત સરકારી કાર્યક્રમોમાં સંખ્યા બતાવવા કે કાર્યક્રમમાં રાખેલી ખાલી ખુરશીઓ ભરવા માટે પણ ઘણી વખત શાળાના વિદ્યાર્થીઓનો ભરપૂર ઉપયોગ થાય છે. ત્યારે આવી સ્થિતિ માટે સરકારે કોઈ નિયમો નથી બનાવ્યા. આવા સમયે તમામ નીતિ નિયમો નેવે મૂકી જે તે શાળાઓ, ભાજપના પ્રતિનિધિઓ, સરપંચો, કૉર્પોરેટરો, વોર્ડ પ્રમુખો માટે ભીડ ભેગી કરવા માટેના સોફ્ટ ટાર્ગેટ હોય છે - વર્ગ ચારના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ.

ભીડનો વિકલ્પ વિદ્યાર્થીઓ!

કોઈ મોટા નેતાનો રોડ શો હોય કે તેમની સભા હોય ત્યારે પણ શાળાના બાળકોને વેનમાં કે બસમાં ઠાંસી ઠાંસીને ભરીને કાર્યક્રમ સ્થળે લઈ જવામાં આવતા હોય છે. આવું મોટે ભાગે શહેરોમાં જોવા મળે છે. પરંતુ ગામડાઓમાં તો આઇસર, ટેમ્પો કે ટ્રેક્ટરમાં બેસાડીને વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હોય તેવા અનેક કિસ્સાઓ પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. અને આવા વાહનોને અકસ્માત નડ્યાના કિસ્સા પણ બન્યા છે.

ત્યારે સવાલ એ થાય છે કે જો સરકારને વિદ્યાર્થીઓની ખરેખર ચિંતા હોય તો તેમણે સરકારી કે રાજકીય કાર્યક્રમોમાં શાળાના બાળકોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

વિદ્યાર્થીઓને વાહનોમાં ભરી સરકારી કાર્યક્રમોમાં લઈ જવાય છે, તેના માટે કોઈ ગાઇડલાઇન કેમ નહીં? 2 - image

શાળા પ્રવાસ માટે નિયમ, સરકારી કાર્યક્રમ માટે નહીં?

મહત્ત્વની બાબત એ છે કે આવા સરકારી કે રાજકીય કાર્યક્રમોમાં બાળકોને લઈ જતી વખતે નીતિ નિયમો નેવે મૂકી બાળકોને વાહનોમાં ભરીને લઈ જવાય છે. તે સમયે શાળાના પ્રવાસ વખતે લેવાય છે તે રીતે વાલીઓની મંજૂરી પણ લેવામાં નથી આવતી. તો આ માટે સરકારે કેમ કોઈ ગાઇડલાઇન બહાર નથી પાડી, અથવા તો નવી ગાઇડલાઇનમાં પણ તેના વિશે કોઈ ઉલ્લેખ સુદ્ધાં કેમ નથી કર્યો. 

આ પણ વાંચો : સ્કૂલ પ્રવાસની નવી ગાઇડલાઇનમાં બુદ્ધિનું પ્રદર્શન, ભૂકંપની આગાહી જોઈને કાર્યક્રમ નક્કી કરવાની શરત

વિદ્યાર્થીઓને વાહનોમાં ભરી સરકારી કાર્યક્રમોમાં લઈ જવાય છે, તેના માટે કોઈ ગાઇડલાઇન કેમ નહીં? 3 - image

સરકારી કાર્યક્રમોમાં લઈ જવાતા બાળકો માટે આ નિયમ લાગુ રહેશે?

સરકારી કાર્યક્રમોમાં શાળા કે કૉલેજોના વિદ્યાર્થીઓને લઈ જવાય છે ત્યારે તો કોઈ નીતિ નિયમોનું પાલન નથી કરાતું. તો સરકાર હવે એ સુનિશ્ચિત કરશે કે જો સરકારી કાર્યક્રમોમાં બાળકોને લઈ જવાના હોય તો તેની જાણ 15 દિવસ પહેલા તેમના વાલીઓ, સ્થાનિક પોલીસ કે RTOઓને કરાશે? વાલીઓની લેખિત મંજૂરી મેળવાશે? હવામાન વિભાગની આગાહી જોવાશે? જે તે વાહનમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં, વાહનનું RTO પાર્સિંગ છે કે નહીં, ડ્રાઇવરનું લાઇસન્સ માન્ય છે કે નહીં, વાહનની કંડિશન યોગ્ય છે કે નહીં તેનું ધ્યાન રખાશે? 

વિદ્યાર્થીઓને વાહનોમાં ભરી સરકારી કાર્યક્રમોમાં લઈ જવાય છે, તેના માટે કોઈ ગાઇડલાઇન કેમ નહીં? 4 - image

આ નિયમોનું પાલન કરાશે?

બાળકોને કાર્યક્રમમાં લઈ જતાં વાહનોમાં First Aid કીટ હશે? તે વાહનોમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ હશે? પરમીટ કરતાં વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને ન બેસાડાય તેનું ધ્યાન રખાશે? 15 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હશે તેમની સાથે? વિદ્યાર્થી દેખીતી રીતે ગંભીર બીમાર હોય કે નબળો હોય તો તેને કાર્યક્રમમાં લઈ જવાનું ટાળવામાં આવશે? કાર્યક્રમ સ્થળ પર સલામતીની પૂરતી કાળજી લેવાઈ છે તેની ખાતરી આપવામાં આવશે? શુદ્ધ નાસ્તો કે ભોજન મળશે તેની તકેદારી રખાશે કે ફક્ત ફૂડ પેકેટ આપી દેવાશે? કાર્યક્રમની ભીડભાડમાં દોડધામ થઈને વિદ્યાર્થીઓને કંઈ થયું તો તેની જવાબદારી સરકાર લેશે?

વિદ્યાર્થીઓને વાહનોમાં ભરી સરકારી કાર્યક્રમોમાં લઈ જવાય છે, તેના માટે કોઈ ગાઇડલાઇન કેમ નહીં? 5 - image

સરકાર કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ જાગે છે. પરંતુ તે સિવાય પણ અનેક નાની-મોટી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તેમાં અનેક બાળકોના મોત થાય છે કે પછી ગંભીર ઈજાઓ પહોંચે છે. તેનો કુલ આંકડો જોવામાં આવે તો તેની સંખ્યા કોઈ એક મોટી દુર્ઘટના કરતાં પણ મોટો થઈ જાય છે. ત્યારે સરકારે આવા કિસ્સાઓમાં કોઈ બુદ્ધિગમ્ય નિર્ણય લેવાની વધારે જરૂર છે. નહીં કે સરકારી બાબુએ બનાવેલા બીબાઢાળ નિયમોને કડક રીતે લાગુ કરવાની. 

આ પણ વાંચો : હરણીકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય: સ્કૂલ પ્રવાસની નવી ગાઇડલાઇન જાહેર, વાલીઓ વાંચી લો

મહત્ત્વની વાત એ પણ છે કે સરકારે જે નવી ગાઇડલાઇન બહાર પાડી તેમાં જે તે શાળા નિયમોનો ભંગ કરશે તો જે તે શાળા કે સંસ્થા સામે શું કાર્યવાહી કરાશે તેનો કોઈ જ ઉલ્લેખ કરાયો નથી. આજ બતાવે છે કે સરકારને લોકોની ચિંતા નહીં પણ ખાલી આવી ગાઇડલાઇન બહાર પાડી સંતોષ માનવામાં જ રસ છે.


Google NewsGoogle News