ઉત્તરાયણ નિમિત્તે જનમેદની ઉમટી પડતાં માંડવી ચાર દરવાજા, રાવપુરા રોડ અને જે.પી. રોડ વિસ્તારમાં વાહનોને નો એન્ટ્રી
ઘાસચારો જાહેરમાં વેચવા, રોડ, ફૂટપાથ પર પતંગ ચગાવવા, મોટા દંડા સાથે પતંગ પકડવા પ્રતિબંધ
વડોદરા, તા.12 ઉત્તરાયણ નિમિત્તે ખરીદી માટે ઉપડતી ભીડના કારણે લોકોને તકલીફ ના પડે તે માટે માંડવી ચાર દરવાજા વિસ્તાર, રાવપુરારોડ અને જે.પી.રોડ વિસ્તાર માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
તા.૧૩,૧૪ અને ૧૫ ના રોજ પતંગની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો માંડવી ચાર દરવાજા, રાવપુરા રોડ અને જૂના પાદરા રોડ પર માનવ મેદની ઉમટી પડતી હોય છે. તેના કારણે ટ્રાફિકનું ભારણ વધારે પડતું રહેતું હોય છે. ત્રણેય દિવસ સવારે નવ થી રાતના બાર વાગ્યા સુધી આ વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે આ વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો માટે નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે.
માંડવી ચાર દરવાજા વિસ્તાર, રાવપુરારોડ ઉપરાંત નટુભાઇ સર્કલથી ચકલી સર્કલ, પંડયા બ્રિજ અટલ બ્રિજ નીચેથી ગેંડા સર્કલ તરફ, મનિષા ચોકડીથી ચકલી સર્કલ, રાજવી ટાવર અટલ બ્રિજ નીચેથી મનિષા ચાર રસ્તા અને ગેંડા સર્કલથી ચકલી સર્કલ સુધી ભારદારી તેમજ ફોર વ્હીલ વાહનોને નો એન્ટ્રી જાહેર કરાઇ છે.
આ ઉપરાંત જાહેર માર્ગ, ફૂટપાથ, ભયજનક ધાબા પર પતંગ ઉડાવવા, મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા, પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો લખવા, કપાયેલા પતંગો પકડવા મોટા ઝંડાઓ લઇને દોડવા તેમજ ઘાસચારનું જાહેરમા ંવેચાણ કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.