Get The App

જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધકામ આઠ વર્ષે પણ પગલાં ના લેવાયા

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધકામ આઠ વર્ષે પણ પગલાં ના લેવાયા 1 - image


- હાઇકોર્ટની આણંદ કલેકટર સહિતના સત્તાધીશોને નોટિસ

- વર્ષોથી લડત આપતાં નાગરિકની વાત સત્તાવાળાઓએ ના સાંભળતા આખરે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી

અમદાવાદ : આણંદમાં બોરસદ ખાતે સ્થાનિક માથાભારે શખ્સ દ્વારા જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધકામ કરી દેવાના ચકચારભર્યા કેસમાં સ્થાનિક નાગરિકે સરપંચ, તલાટીથી લઇ મામલદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર સહિતના તમામ સત્તાવાળાઓ સમક્ષ છેલ્લા આઠ-આઠ વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં નહી લેવાતાં આખરે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. જસ્ટિસ મોના એમ.ભટ્ટે ગંભીર નારાજગી વ્યકત કરી આ કેસમાં આણંદ જિલ્લા કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. 

હાઇકોર્ટે પબ્લીક રોડ પર ગેરકાયદે બાંધકામ કરનારને પ્રતિવાદી પક્ષકાર તરીકે જોડવા પણ અરજદારને પરવાનગી આપી હતી. અરજદારપક્ષ તરફથી એડવોકેટ પ્રશાંત ચાવડા દ્વારા અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, ગુજરાત પંચાયત એકટની કલમ-૧૦૫ હેઠળ નોટિસ આપવા છતાં ઉપરોકત ગેરકાયદે બાંધકામને લઇ કોઇ મંજૂરી, રજા ચિઠ્ઠી કે પરવાનગી રજૂ થયા નથી, જે બહુ ગંભીર બાબત છે. અરજદાર છેલ્લા આઠ વર્ષોથી આ મુદ્દાને લઇ લડી રહ્યા છે પરંતુ નીચેથી લઇ ઉપર સુધી તમામ સત્તાવાળાઓ આંખ આડા કાન કરે છે. કોઇ પગલાં લેતા નથી.

અરજદારપક્ષ તરફથી વધુમાં જણાવાયું કે, અરજદાર બોરસદના રાવળપુરા ગામે વર્ષોથી રહે છે ત્યાં ગ્રામ પંચાયતના જાહેર રસ્તા પર તેમની સામે જ રહેતા સ્થાનિક શખ્સ મગનભાઇ નાનાભાઇ પરમાર દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદે રીતે બાંધકામ કરી દેવાયું છે. જેને લઇને આ જાહેર રસ્તો સાંકડો થઇ ગયો છે અને વાહન સાથે ત્યાંથી જવુ ખૂબ મુશ્કેલ અને અગવડભર્યુ બની રહ્યું છે. સ્થાનિક લોકોથી લઇ ત્યાંથી અવરજવર કરતાં નાગિરકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. અરજદારે આ સમગ્ર મામલે સ્થાનિક ગ્રામ પંચાયત, નગરપાલિકા, મામલતદાર, ટીડીઓ, ડીડીઓથી લઇ આણંદ જિલ્લા કલેકટર સુધી વર્ષોથી વારંવાર અનેક રજૂઆતો કરી હોવાછતાં આજે આઠ-નવ વર્ષો વીત્યા બાદ પણ હજુ સુધી આ ગેરકાયદે બાંધકામ દૂર કરાયુ નથી. 

અરજદારને અદાલત સમક્ષ એ પણ સ્પષ્ટ કર્યું કે, આ કોઇ વ્યકિતગત વિવાદ કે તકરારનો વિષય નથી પરંતુ ગ્રામ પંચાયતાન જાહેર રસ્તા પર નડતરરૂપ બાંધકામનો સંવેદનશીલ મુદ્દો છે. કાયદામાં જાહેર રસ્તા અને પબ્લીક રોડ પર આ પ્રકારે ગેરકાયદે બાંધકામની કોઇ મંજૂરી નથી અને તેથી તેને તાત્કાલિક દૂર કરવું જોઇએ. એટલું જ નહી, આટલા વર્ષોથી જાહેર રસ્તા પરથી ગેરકાયદે બાંધકામ દૂર નહી કરનાર તમામ જવાબદાર કસૂરવાર સરકારી અધિકારીઓ વિરૂધ્ધ કાયદેસર પગલાં લેવા પણ અરજીમાં માંગણી કરવામાં આવી હતી. 


Google NewsGoogle News