ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા કોમર્શિયલ વાહનો સામે કોઇ કાર્યવાહી થતી નથી
કોમર્શિયલ વ્હિકલના માલિકો અને સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરતા પોલીસ અને આરટીઓના હાથ કેમ થરથર ધુ્રજે છે
કાયદો અને વ્યવસ્થાનું પાલન કરતા લોકોની જ હેરાનગતિ
વડોદરા : વડોદરા સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું જે પાલન કરી છે એવા સુશિક્ષિત લોકોની હેરાનગતિ માટે જ જાણે કાયદાના રક્ષકો કામ કરતા હોય તેવી અનુભુતી પ્રત્યેક નાગરિક કરી રહ્યો છે. મુખ્યત્વે ટ્રાફિક નિયમનને લગતા કાયદાઓમા ગરીબ અને મધ્યમવર્ગના સામાન્ય નાગરિકો જ દંડની કાર્યવાહીનો ભોગ બને છે તેની સામે ખુલ્લેઆમ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા કોમર્શિયલ વ્હિકલના માલિકો અને સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરતા પોલીસ અને આરટીઓના હાથ કેમ થરથર ધુ્રજે છે ? તેવો સવાલો લોકોમાં થઇ રહ્યો છે.
પ્રદૂષણ ઓકતી રિક્ષા : મુસાફરો પાસેથી આડેધડ ભાડાની વસુલાત
વડોદરાની વાત કરીએ તો ઓટો રિક્ષાઓમાં મીટર લાગેલા છે પરંતુ એક પણ ઓટો રિક્ષા મીટર ઉપર ચાલતી નથી. આડેધડ ભાડા વસુલીને મુસાફરોની લૂંટ કરવામાં વડોદરના રિક્ષા ચાલકો બદનામ છે. ૨૨ લાખની વસતીમાં ૫૦ હજારથી વધુ ઓટો રિક્ષા દોડી રહી છે જે ટ્રાફિક ઉપર ભારણ વધારે છે ઉપરાંત હલકી કક્ષાના ઓઇલનો ઉપયોગ કરતા હોવાથી ભારે માત્રામાં પ્રદૂષણ પણ ફેલાવી રહી છે.
હેવી વ્હિકલોના દારૃડિયા ડ્રાઇવરો પાસે લાયસન્સ પણ નથી હોતા
પ્રતિબંધિત વિસ્તારો અને પ્રતિબંધિત સમયમાં ટ્રક, ટેન્કર અને ડમ્પર જેવા ભારેખમ વાહનો દોડી રહ્યા છે. પોલીસની નજરની સામે જ આ ગેરકાયદે પ્રવૃતિ થઇ રહી છે. આ પ્રકારના હેવી વ્હિકલમાં મોટાભાગના ડ્રાઇવરો નશાની હાલતમાં અને લાયસન્સ વગરના હોવાનું વારંવાર સાબિત થયુ છે. વડોદરામાં થતા અકસ્માતોમાંથી મોટાભાગના અકસ્માતોમાં હેવી વ્હિકલ કારણભૂત હોય છે. છતાં કોઇ પગલા લેવાતા નથી.
ફાયર સેફ્ટીના સાધનો વગર જ દોડતી બસો સામે કોઇ કાર્યવાહી નથી
વડોદરામાં ૪,૫૦૦થી વધુ બસો દોડી રહી છે. આ ઉપરાંત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોની ગણતરી કરીએ તો ૬ હજાર બસ થાય છે. રોજ ૬ હજાર બસો વડોદરા શહેરથી અન્ય શહેર અથવા રાજ્યમાં મુસાફરોને લઇ જાય છે. નિયમ પ્રમાણે દરેક બસમાં ફાયર સેફ્ટીના સાધનો હોવા ફરજિયાત છે પરંતુ એક પણ બસમાં નથી હોતા. આરટીઓ કે પોલીસ આ બાબતનું ચેકિંગ કરીને કાયદાનું ભાન કરાવતા નથી.