સુરત પાલિકામાં રજાના મુદ્દે એકને ગોળ અને એકને ખોળની નીતિ : સવા મહિનાથી રજા પર ઉતરેલા વરાછા ઝોનના અધિકારીઓ સામે કોઈ નક્કર પગલાં નહિ
Surat Corporation : બેલદાર કે સફાઈ કામદાર રજા મંજુર કરાવ્યા વિના ગેરહાજર રહે તો શો કોઝ નોટિસ આપ્યા બાદ જલ્દી હાજર નથી કરાતા પણ વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર અને તત્કાલિન આસી. કમિશનર સામે પગલાં કેમ નથી ભરાયા તે પાલિકા કર્મચારીઓનો ચર્ચાનો વિષય બન્યો છે. તેની સાથે મન મરજી મુજબ હાજર થયેલા કાર્યપાલક ઈજનેર સામે વિરોધ પક્ષે કોઈ વિરોધ કર્યો નથી પરંતુ શાસક પક્ષના કોર્પોરેટર અને પુર્વ સ્થાયી સમિતિ સભ્યએ વાંધો ઉઠાવી મેયર અને સ્થાયી અધ્યક્ષને રજુઆત કરી છે કે, આવા અધિકારીઓની વરાછા ઝોનને જરૂર નથી કોઈ જવાબદાર અધિકારીને વરાછા ઝોનના નવા કાર્યાપાલક ઈજનેર બનાવવા જોઈએ.
સુરત પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે 10 લાખ રૂપિયાની માંગણીના કિસ્સામાં સુરત પાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને તેઓ જેલવાસ ભોગવી જામીન પર બહાર આવ્યા છે. જોકે, આ કિસ્સામાં પાલિકાના વરાછા ઝોનના બે અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી હતી. એસીબી તપાસ કરે તે પહેલાં આ બન્ને અધિકારીઓ દિવાળી પહેલા અચાનક રજા પર ઉતરી ગયાં હતા. ગઈકાલે આ બન્ને અધિકારીઓ ઝોન ઓફિસ પર પ્રગટ થયા હતા અને સવા મહિના કરતાં વધુ સમયથી ગેરહાજર હતા તેનો રિપોર્ટ કરવા પહોંચ્યા હતા. પે એન્ડ પાર્ક લાંચ પ્રકરણમાં પાલિકાના વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા અને તત્કાલીન આસી.કમિશનર ધનંજય રાણેની ભૂમિકા સામે પણ પ્રશ્નો ઉભા થયા હતા. એસીબી દ્વારા તપાસ શરુ થતાં આ બન્ને અધિકારીઓ રજા પર ઉતરી ગયાં હતા. કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા વરાછા ઝોનના ચાવીરૂપ હોદ્દા પર હોવા છતાં સવા મહિનાથી વધુ કોઈ પણ જાણ કર્યા વિના રજા પર ઉતરી ગયાં હતા. કોઈપણને જાણ કર્યા વિના રજા પર ઉતરી ગયેલા કમલેશ વસાવા ગઈકાલે વરાછા ઝોનમાં અચાનક પ્રગટ થયા હતા અને રજાનો રિપોર્ટ મુકી દીધો હતો અને આજે મ્યુનિ. કમિશનરે કરેલી બેઠકમાં પણ હાજર રહ્યા હતા. સામાન્ય કર્મચારી મંજુરી વિના રજા પર ઉતરે તો સજા પણ ચાવીરૂપ અધિકારી સવા મહિના સુધી મંજુરી વિના ગેરહાજર રહ્યાં હતા તેની સામે કોઈ કાર્યવાહી ન થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
વિરોધ પક્ષ આપના બે કોર્પોરેટર સામે લાંચનો કેસ ચાલી રહ્યો હોય તેઓ દ્વારા કાર્યપાલક ઈજનેર રજા પર ઉતરી ગયા અને અચાનક હાજર થયા તેની સામે કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. પરંતુ પાલિકાના શાસક પક્ષના જ કોર્પોરેટર અને પુર્વ સ્થાયી સમિતિ સભ્ય ધર્મેશ ભાલાળાએ આ મુદ્દે સખત વિરોધ કરીને મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષને ગંભીર રજુઆત કરી છે. તેઓએ રજુઆત કરતાં કહ્યું હતું વરાછા ઝોનના કાર્યપાલક કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ગેરહાજર હતા અને ગઈકાલે ઓચિંતા (પોતાની મરજી મુજબ)હાજર પણ થયા છે.
વધુમાં જણાવ્યું છે કે, પોતાની મરજીથી ગેરહાજર/હાજર થનાર આવા અધિકારીઓની વરાછા ઝોન ને જરૂર નથી. આવા અધિકારીઓના હિસાબે અનેક કામોમાં વિલંબ પણ થયો છે અને જેના લીધે પ્રજાનું અમારે સાંભળવાનું પણ થાય છે માટે આવા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી ન કરી શકતા હોય તો આવા અધિકારીને અન્ય ઝોનમાં મોકલીને કોઈ સારા અને જવાબદાર વ્યક્તિને વરાછા ઝોન એ ના કાર્યપાલકનો ચાર્જ આપવામાં આવે એવી મારી લાગણી અને માંગણી છે.. તેમની આ રજુઆત બાદ કાર્યપાલક ઈજનેર બદલાઈ છે કે પછી ભાજપના કોર્પોરેટરની રજુઆતનો કોઈ પડઘો પડતો નથી તે ખબર પડી જશે.