ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક, વાર્ષિક રૂ.12 હજાર મળશે, NMMSની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પડાયું
NMMS Scholarship 2024-25 : ગુજરાત રાજ્ય સરકારના પરીક્ષા બોર્ડે ભારત સરકારની યોજના નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024-25(NMMS)ની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. NMMSની યોજનામાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે. આ યોજનામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે. આજે બુધવારથી આગામી 11 જાન્યુઆરી સુધીમાં રાજ્ય સરકારની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે. જ્યારે આગામી 16 ફેબ્રુઆરી, 2025ના રોજ તેની પરીક્ષા લેવામાં આવશે.
ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી નેશનલ મીન્સ કેમ મેરીટ સ્કોલરશીપ (NMMS) યોજના હેઠળ ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા તેજસ્વી વિદ્યાર્થી માટે અને માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટાડવાના હેતુથી સરકાર દ્વારા યોજના અમલમાં મુકવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડે NMMSની પરીક્ષાને લઈને ગઈ કાલે 31 ડિસેમ્બર, 2024ના રોજ જાહેરનામું બહાર પાડ્યું. જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજે બુધવારથી 11 જાન્યુઆરી, 2025 સુધી sebexam.org ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જ્યારે આ પરીક્ષામાં 13 જાન્યુઆરી સુધીમાં ફી ભરવાની રહેશે. જેની પરીક્ષા આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
NMMSની યોજનામાં કઈ રીતે ફોર્મ ભરી શકાય તેની જાણકારી માટે sebexam.org પર ક્લિક કરો.
ચાર વર્ષ સુધી વાર્ષિક રૂ.12000 સ્કોલરશીપ મળશે
NMMSની પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને મહિનાના એક હજાર લેખે વાર્ષિક 12000 રૂપિયા ચાર વર્ષ સુધી આપવામાં આવશે. NMMSની યોજનામાં રાજ્યના કુલ 5097 વિદ્યાર્થીઓને લાભ મળશે.
કોણે મળશે આ સ્કોલરશીપનો લાભ?
રાજ્યમાં જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. જેમાં જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55 ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ. જ્યારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના વિદ્યાર્થીએ ધોરણ 7માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ.
જ્યારે ખાનગી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં. આ ઉપરાંત, ઉમેદવારના પિતાની વાર્ષિક આવક 3.50 લાખથી વધુ ન હોવી જોઈએ.
NMMSની યોજનાની પરીક્ષા અને પાત્રતા વિશે વધુ જાણકારી માટે sebexam.org અહીં ક્લિક કરો.