સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા નથી: નીતિન પટેલ
Nitin Patel On Sidi Saiyyed Mosque : મહેસાણાના કડી ખાતે ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. જેમાં નીતિન પટેલે સીદી સૈયદની જાળીનો ગુજરાત સાથે કોઈ સંબંધ ન હોવાનું કહ્યું હતું. જ્યારે આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી.
નીતિન પટેલે શું કહ્યું?
નીતિન પટેલે કહ્યું હતું કે, 'નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને 550 રજવાડાઓને એક કરનારા સરદાર વલ્લભભાઇની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું. આમ સ્ટેચ્યુ ઓફ યુનિટિ આજે નર્મદા નદીના કિનારે એકતાનું પ્રતિક બની રહ્યું છે. તમને આપેલી ભેટ સરદાર પટેલની ભેટ છે. મારે જાહેરમાં કહેવું ના જોઇએ પણ કોંગ્રેસની સરકારો હતી ત્યારે બહારથી કોઇ મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીદી સૈયદની જાળી. જે અમદાવાદમાં છે અને તમે ઈતિહાસ કે ચોપડીઓમાં જોઈ હશે.'
તેમણે કહ્યું કે, 'આખા ગુજરાતને તેની સાથે કોઈ લેવા દેવા નથી, ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા નથી. આપણા સનાતન ધર્મને તેની સાથે કોઈ લેવા દેવા નહી. પરંતુ પરદેશ કે બહારથી કોઈ મહેમાન આવે, એટલે કોંગ્રેસના નેતાઓ સીદી સૈયદની જાળી ભેટ આપતા હતા.' જ્યારે નીતિન પટેલના આ નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયાએ આપતા કહ્યું હતું કે, 'નીતિન પટેલ ચર્ચામાં રહેવા માટે આવા નિવેદન આપ્યું.'