રાજકારણમાં પણ દલાલો, ભાજપનો નેતા છું કહી ઓળખાણ વધારે છે : નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ
Nitin Patel: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જેમાં નીતિન પટેલે કહ્યું કે, રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે. નીતિન પટેલના આ નિવેદનથી હાલ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. નીતિન પટેલે કહ્યું કે, 'રાજકીય દલાલો ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહીને અધિકારીઓ સાથે સંબંધ અને ઓળખાણ બનાવે છે.'
ભાજપ સરકાર પર જ કર્યાં પ્રહાર
મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ કહ્યું કે, 'રાજકારણમાં ઘણાં દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર, ભાજપનો કાર્યકર અને નેતા છું. એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે. આ ભાજપ સરકારે આવા દલાલોને ખૂબ જ મોટા સુખી કર્યાં. દલાલી કરતાં-કરતાં ખૂબ જ મોટા કરોડપતિ થઈ ગયાં.'
રાજકીય માહોલ ગરમાયો
ભાજપના જ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ નિવેદનથી હાલ સમગ્ર પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. આ સિવાય ભાજપ સરકાર પર કરવામાં આવેલાં આ પ્રહારથી રાજકીય માહોલ ગરમાયો છે. આ સાથે જ લોકો આ ઈશારો કોના તરફ હતો એ વિશે પણ જુદા-જુદા અનુમાન લગાવી રહ્યા છે.
યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા
સમગ્ર મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'નીતિન પટેલ પીઢ નેતા પક્ષ કે કાર્યકરો પર આક્ષેપ ન કરે તેથી ક્યારેય કોઈ પક્ષના નેતા કે કાર્યકરો પર આક્ષેપ ન કરે. કારણ કે, તેઓ પક્ષને સારી રીતે જાણે છે. એમનો કહેવાનો જે અર્થ છે તે સ્પષ્ટ છે અને તે તેમના વાક્યોમાં પણ જણાઈ આવે છે, કે જે લોકો પક્ષના નામે અધિકારીઓ પાસે જઈને કામ કરાવે છે આવું તેઓએ સ્પષ્ટ કહ્યું છે. નીતિન ભાઈએ જે કટાક્ષ કર્યો છે કે, જે પક્ષના નામે અધિકારીઓને દબાવે છે તેમના માટે છે.'