16 દેશ અને 1500 કિલોમીટર, 180 દિવસે સાઇકલ લઈને લંડન પહોંચશે વડોદરાની નિશા કુમારી

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
16 દેશ અને 1500 કિલોમીટર, 180 દિવસે સાઇકલ લઈને લંડન પહોંચશે વડોદરાની નિશા કુમારી 1 - image


Vadodara Nisha Kumari News |  વર્ષ 2023માં માઉન્ટ એવરેસ્ટ સર કરનારી વડોદરાની નિશા કુમારી રવિવારથી નવા સાહસ અભિયાનનો પ્રારંભ કરી રહી છે. 28 વર્ષીય નિશા કુમારી સાઇકલ લઈને 180 દિવસના પ્રવાસ પછી લંડન પહોંચશે. આ દરમિયાન તે 16 દેશની મુલાકાત પણ લેશે.

એવરેસ્ટ સર કર્યા બાદ નિશા સાઇકલ લઈને લંડનને પ્રવાસે

નિશા કુમારીએ જણાવ્યું છે કે, 'રવિવારે વડોદરાથી મારો સાઇકલ પ્રવાસ શરૂ થશે. અમદાવાદથી વાયા રાજસ્થાનના રૂટ પર હું દિલ્હી પહોંચીશ. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીશ. ત્યારબાદ હું દિલ્હીથી આગ્રા, ગોરખપુર થઈને નેપાળ પહોંચીશ. ત્યાંથી તિબેટ થઈને સનોલી સરહદથી ચીનમાં પ્રવેશ કરીશ. ચીનથી  કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન થઈને રશિયા અને ત્યાથી યુરોપ પહોંચીશ. યુરોપના લેટિવિયા, ફ્રાંસ અને ચેક રિપબ્લિક  જેવા દેશોમાંથી પસાર થઇને આશરે 180 થી 200 દિવસમાં લંડન પહોંચવાનું લક્ષ્ય છે. મારી ઈચ્છા તો 133 દિવસમાં પ્રવાસ પૂર્ણ કરીને બીજી નવેમ્બરે કે જ્યારે ભારતીય નવું વર્ષ છે. ત્યારે લંડન પહોંચવાનું છે. હું રોજ સરેરાશ 80થી 100 કિ.મી. સાયકલિંગ કરીશ. મારી સાથે બેકઅપમાં એક કાર હશે. જેમાં મારા સહયોગી નિલેશ બારોટ પણ સાથે રહેશે.'

આ રૂટ પર સાઇકલ યાત્રા કરનારી પ્રથમ સાઇકલિસ્ટ બનશે

વડોદરાથી લંડન 15,000 કિ.મી.ની સાઇકલ યાત્રાનો રવિવારથી પ્રારંભ કરનાર નિશા કુમારીના સહયોગી નિલેશ બારોટે કહ્યું હતું કે 'આ સાઇકલ યાત્રા ગ્લોબલ વોર્મિંગ અને ચેતવણી આપવા માટે છે માટે અમારૂં સ્લોગન 'ચેન્જ ધ ક્લાઇમેટ ચેન્જ' રાખવામાં આવ્યુ છે. આ માત્ર એક નારો નથી, પરંતુ નિશા કુમારી ભારતથી લંડન સુધી 16 દેશોનો પ્રવાસ કરશે. આ દરમિયાન 200થી વધુ શહેરો આવશે. આ તમામ શહેરોમાં અમે વૃક્ષા રોપણ કરીને લોકોને પર્યાવરણનું મહત્ત્વ સમજાવીશું. આ રૂટ ઉપર અત્યાર સુધી વિશ્વમાં કોઈએ સાઈકલ યાત્રા કરી નથી. એટલે આ અભિયાનની પૂર્ણાહૂતિ સાથે નિશા કુમારી વિશ્વની એવી પ્રથમ વ્યક્તિ બનશે. જેણે આ રૂટ ઉપર સફળતા પૂર્વક સાઇકલ યાત્રા કરી હોય.'

કાર્બન ફ્રેમવાળી ખાસ સાઇકલ સાથે નિશા પ્રવાસ કરશે

નિશા કુમારી મધ્યમવર્ગી પરિવારમાંથી આવે છે. પરિવારની એટલી સદ્ધરતા નથી કે તે નિશા કુમારીના આ અભિયાનનો ખર્ચ ઉઠાવી શકે. કેમ કે આ અભિયાન પાછળ અંદાજે 60 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થવાનો છે. વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં સાઇકલ ચલાવવા માટે વિશેષ હળવા વજનની કાર્બન ફ્રેમની સાઇકલ પણ જોઇએ જેની કિંમત પણ લાખોમાં હોય છે. જો કે નિશા કુમારી સાહસિક છે અને અગાઉ તેમણે આવા અભિયાનો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવાથી નિશા કુમારીના સંકલ્પ મજબૂત રાખવા વિવિધ દાતાઓએ પણ મદદ કરી છે.


Google NewsGoogle News