Get The App

16 દેશોમાં 15000 કિમી સાયકલ ચલાવીને વડોદરાની નિશાકુમારી આજે લંડન પહોંચશે

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
16 દેશોમાં 15000 કિમી સાયકલ ચલાવીને વડોદરાની નિશાકુમારી આજે લંડન પહોંચશે 1 - image

વડોદરાઃ એવરેસ્ટ સર કરનાર વડોદરાની યુવતી નિશા કુમારી હવે સાયકલ પર ભારતથી લંડનની મુસાફરી કરી રહી છે અને આવતીકાલે રવિવારે તે પોતાની સફરના આખરી પડાવ લંડન ખાતે પહોંચશે.આ દરમિયાન તેણે સાયકલ પર ૧૬ દેશોમાંથી પસાર થઈને ૧૫૦૦૦ કિલોમીટરની મુસાફરી કરી છે.

અત્યારે તે ફ્રાંસમાં છે અને આવતીકાલે તે લંડન પહોંચશે અને તેનાથી નજીકના નિસડેનમાં સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૯-૩૦ કલાકે દર્શન કરીને સંતોના આશીર્વાદ લઈને પોતાની આ યાત્રાની પૂર્ણાહુતિ કરશે.યોગાનુયોગ પ્રવાસની શરુઆત વડોદરામાં સ્કૂલના દરવાજેથી કરી હતી.આમ સરસ્વતિ મંદિરથી તેની યાત્રાની શરુઆત થઈ હતી અને હવે મંદિર ખાતે જ તેની સમાપ્તિ પણ થશે.

આ દરમિયાન નિશા કુમારીના માર્ગદર્શક અને કોચ તરીકે તેની સાથે સાયકલ પર યાત્રા કરનાર નિલેશ કુમારનું કહેવું  છે કે, ૬ મહિના અને ૨૫ દિવસના પ્રવાસ બાદ તેના આ સાહસ અભિયાનની પૂર્ણાહૂતિ થશે.આ દરમિયાન તેણે સિલ્ક રુટ સહિતના મહાવિકટ રસ્તા પર સાયકલ ચલાવી છે.કદાચ આ રુટ પર સાયકલ ચલાવનાર વડોદરા, ગુજરાત કે ભારતની નહીં પણ વિશ્વની પહેલી મહિલા બનશે.માત્ર ફ્રાંસના દરિયા કિનારેથી બ્રિટનના દરિયા કિનારાની ફેરીની સવારીને બાદ કરવામાં આવે તો નિશા કુમારીએ સમગ્ર મુસાફરી સાયકલ પર જ કરી છે.આ દરમિયાન તેણે ગરમી, અસહ્ય ઠંડી, બરફ વર્ષા અને ચીનમાં હતાશ કરી દે તેવા રાજકીય અવરોધોનો સામનો કર્યો હતો.તેણે રુટ પર ૧૧૫૦ જેટલા વૃક્ષો વાવ્યા હતા.તેના સાયકલ પ્રવાસનો હેતું જ પર્યાવરણ જાગૃતિનો સંદેેશો આપવાનો છે.પ્રવાસ દરમિયાન વિવિધ દેશોમાં ભારતીય દૂતાવાસો અને ભારતીય પરિવારોએ પણ તેમને આવકાર આપ્યો હતો.

ફ્રાંસ પહોંચ્યા બાદ પેરિસના પ્રખ્યાત એફિલ ટાવરના સાનિધ્યમાં નિશા કુમારી અને  નિલેશભાઈએ તિરંગો ફરકાવીને ગર્વની લાગણી અનુભવી હતી.ઉલ્લેખનીય છે કે, ૧૭ મે,૨૦૨૩ના રોજ નિશા કુમારીએ એવરેસ્ટ આરોહણ કરીને તિરંગો લહેરાવ્યો હતો.આ દરમિયાન જોકે હિમ ડંખના કારણે તેને ૬ મહિના સારવાર લેવી પડી હતી અને તે દરમિયાન તેણે સાયકલ યાત્રાનો સંકલ્પ લીધો હતો.


Google NewsGoogle News