થાનના અમરાપરમાં મહિલા સહિત નવ શખ્સ પર હુમલો
- હથિયારો વડે હુમલો કરતા નવ સામે ફરિયાદ
- રિસામણે બેઠેલી દીકરીના પતિને લગ્નનું આમંત્રણ આપતા મામલો બિચક્યો
સુરેન્દ્રનગર : થાન તાલુકાના અમરાપર ગામે રિસામણે રહેલ દિકરીના પતિને લગ્નપ્રસંગમાં કંકોત્રી લખી નિમંત્રણ પાઠવવા બાબતનું મનદુઃખ રાખી બોલાચાલી બાદ ૯ જેટલા શખ્સોએ એકસંપ થઈ લાકડી પાઈપ જેવા હથિયારો વડે ઘરે જઈ બે મહિલા સહિતનાઓને ઈજાઓ પહોંચાડતા ભોગ બનનારે થાન પોલીસ મથકે ૯ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
થાનના અમરાપર ગામે રહેતા ફરિયાદી મસાભાઈ ધુધાભાઈ ડાભીની દિકરી રીસામણે હોવા છતાં અને કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલતો હોવા છતાં ફરિયાદીના કાકાના દિકરા ઘનશ્યામભાઈ ડાભીએ જમાઈ રાહુલભાઈને કંકોત્રી લખી લગ્નમાં તેડાવ્યા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખી ઘનશ્યામભાઈ સહિત પાંચ શખ્સોએ એકસંપ થઈ ફરીયાદી મસાભાઈના ઘરે આવી લાકડી, પાઈપ સહિતના હથિયારો વડે ફરિયાદી તેમજ તેમના પત્ની કૈલાશબેન, દિકરી નિતાબેન, દિકરો વિજયભાઈ સહિતનાઓને મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ ફરિયાદીના મોટાભાઈ નવધણભાઈ તથા તેમના દિકરા કિશનભાઈ રણછોડભાઈ સહિતનાઓ ઘરે આવી પહોંચતા તેમને પણ મારમારી ઈજાઓ પહોંચાડી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ ૯ શખ્સો (૧) ઘનશ્યામભાઈ ભલાભાઈ ડાભી (૨) મોહિતભાઈ ઘનશ્યામભાઈ ડાભી (૩) રાહુલભાઈ ઘનશ્યામભાઈ ડાભી (૪) સુરજભાઈ ભુપતભાઈ વાઘેલા (૫) દેવાભાઈ ધીરાભાઈ વાઘેલા (૬) કાળુભાઈ ધીરાભાઈ વાઘેલા (૭) જયેશ ઉર્ફે કાળુ કમાભાઈ વાઘેલા (૮) રાજુભાઈ વાલજીભાઈ ચીંહલા (૯) કમાભાઈ ધુધાભાઈ ડાભી તમામ રહે.અમરાપર તા.થાનવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુતપાસ હાથધરી છે.