Get The App

ભાણવડમાં એડવોકેટ અને પિતા પર નવ શખ્સોનો ઘાતકી હુમલો

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
ભાણવડમાં એડવોકેટ અને પિતા પર નવ શખ્સોનો ઘાતકી હુમલો 1 - image


દસ્તાવેજ કરી આપવાની રૂા. 8000 ફી મુદ્દે માથાકૂટ

વકીલની કાર સાથે એક્ટિવા અથડાવીને બોલાચાલી કર્યા બાદ ઘરે જઇને તલવાર, પાઇપ, ધોકાથી હુમલો કરનાર છ શખ્સોની ધરપકડ

જામખંભાળિયા: ભાણવડમાં રહેતા એડવોકેટ તથા તેમના પિતા પર રૂા. ૮ હજાર દસ્તાવેજ ફી મુદ્દે જીવલેણ હથિયારો વડે હુમલો કરાયો હતો. આ ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ સાથે પોલીસે તાકીદની કાર્યવાહી કરીને છ આરોપીઓને ઝડપી લીધા હતા.

પ્રકરણની વિગત એવી છે કે ભાણવડમાં આવેલા પટેલ સમાજ સામે મહાલક્ષ્મી નગરમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલભાઈ રામભાઈ ઓડેદરા નામના ૩૮ વર્ષના યુવાન તથા તેમના પિતા રામભાઈ ઓડેદરા પર રવિવાર તા. બીજી ફેબુ્રઆરીના રોજ રાત્રે કેટલાક શખ્સોએ લોખંડના પાઇપ, તલવાર તેમજ બેઝબોલના ધોકા વડે હુમલો કરીને તેમને લોહી-લોહાણ કરી દીધા હતા. આ પ્રકરણ સંદર્ભે દ્વારા ભાણવડના રહીશ લખન જેસાભાઈ કારાવદરા, જેસાભાઈ વિસાભાઈ કારાવદરા, વિરમ વિસાભાઈ કારાવદરા, અનિલ વિરમભાઈ કારાવદરા તેમજ ભરતપુર ગામના નગાભાઈ બાલુભાઈ મોઢવાડિયા અને જયમલ નગાભાઈ, રામભાઈ જેસાભાઈ કારાવદરા અને બગવદર ગામના અજુ ગોઢાણીયા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ નવ શખ્સો સામે આજે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. 

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ વકીલ અનિલભાઈ ઓડેદરાએ થોડા સમય પૂર્વે લખન કારાવદરાની જમીનનો દસ્તાવેજ કર્યો હતો. જે માટે નક્કી કરવામાં આવેલી રૂપિયા ૮,૦૦૦ ની ફી તેમને લેવાની થતી હતી. જેથી દસ્તાવેજની ઓરીજનલ ફાઈલ પોતાની પાસે રાખી હતી. આથી થોડા સમય પૂર્વે અનિલભાઈ પાસે ફાઈલ માગતા તેમણે દસ્તાવેજની માંગી હતી. આ બાબતે બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી. આ અંગેનો ખાર રાખી, લખન કારાવદરાએ ભાણવડમાં પાનની દુકાન પાસે અનિલભાઈની કાર સાથે એક્ટિવા અથડાવ્યું હતું અને બોલાચાલી કરી અને ''તું ઘરે પહોંચી જા અમે આવીએ છીએ. આજે તને પતાવી દેવો છે.'' તેવી ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. 

આ પછી આરોપી લખન, તેના મોટા બાપુ વિરમ કારાવદરા સહિતના શખ્સોએ તલવાર, બેઝબોલના ધોકા જેવા મારક હથિયારો વડે એડવોકેટ અનિલભાઈના ઘરમાં ગુનાહિત અપ પ્રવેશ કરી, અહીં પિતા-પુત્ર ઉપર હથિયારો વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી ભાણવડ પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત પોલીસ એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર ઘટના સંદર્ભે અહીંના ડીવાય એસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ તેમની ટીમે તાકીદની કાર્યવાહી કરી, ટૂંકા સમય ગાળામાં છ શખ્સોની અટકાયત કરી લીધી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. પી.જે. ખાંટ ચલાવી રહ્યા છે.


Google NewsGoogle News