વડોદરામાં મગરોના નાઈટ રાઉન્ડ : 4 દિવસમાં છઠ્ઠો પકડાયો, 6.5 ફૂટના મગરનું ખેતરમાંથી રેસ્ક્યુ, એક મગર ઘાયલ
Vadodara Crocodile Rescue : વડોદરામાં છેલ્લા ચાર દિવસથી રાત્રિના સમયે મગરો બહાર આવી જવાના એક પછી એક બનાવ બની રહ્યા છે. કેટલાક સ્થળોએ મગર દેખાતા નથી તો કેટલાક સ્થળોએ રેસ્ક્યુ માટે ટીમ આવે તે પહેલા મગર ઓઝલ થઈ જતા હોય છે. જ્યાં મગર દખાય છે, ત્યાં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવે છે.
શહેરમાં લાલબાગ વિશ્વામિત્ર બ્રિજ પાસે બે દિવસમાં બે મહાકાય મગર મળી આવ્યા હતા. જ્યારે બીલ અને દેવપુરા વિસ્તારમાં પણ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાતે વડોદરા પાસેના કોટાલી ગામે 6.5 ફૂટનો એક મગર ખેતરમાં આવી જતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા.
બનાવ અંગે કાર્યકર અરવિંદ પવારને જાણ કરાતા તેમણે ટીમ રવાના કરી મગર રેસ્ક્યુ કરાવ્યું હતું. જીવદયા કાર્યકરનું કહેવું છે કે, પૂરના પાણી ઓસરી ગયા બાદ મગર પોત પોતાની જગ્યાએ પાછા ફરવા માટે સ્થળાંતર કરતા હોય છે. જેને કારણે આ પ્રકારના બનાવ બની રહ્યા છે.
દરમિયાનમાં ડભોઇ રોડ પર પણ બે દિવસ પહેલા એક મગર કોઈ વાહનની અડફેટમાં આવી જતા ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.