ગુજરાતનાં આ 8 મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ લંબાવાયો, જાણો શા માટે ?
ગાંધીનગર, 15 ઓગસ્ટ 2021 રવિવાર
ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે ઘટી રહ્યું છે અને કોરોનાનાં કેસમાં પણ દરરોજ નોંધાતા નવા કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે હજું પણ કોરોનાની ત્રીજી લહેરનો ભય તોળાઇ રહ્યો છે, એવામાં રાજ્યની વિજય રૂપાણીની સરકારે ગુજરાત ના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગર જેવા શહેરોમાં રાત્રિ કરફ્યૂ આગામી 28 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે.
ગુજરાતના આ 8 મોટા શહેરોમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓને છૂટ આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા કરફ્યૂ લંબાવવાનો નિર્ણય આગામી દિવસોમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, આગામી બે સપ્તાહમાં રાજ્યમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતનાં મોટા તહેવારો આવશે, આવી સ્થિતીમાં લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા રાજ્ય સરકારે 28 જુલાઈના રોજ 8 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી હતી. તેમજ ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન આ 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.