અમરેલીમાં 7 વર્ષથી વસવાટ કરતી નાઈજિરિયન યુવતી ઝડપાઈ
2 પાસપોર્ટ ધરાવતી હતી, વિઝા નિયમનો ભંગ કર્યો હતો : ભારતમાં વસવાટની 2017માં મુદ્દત પૂરી થઈ જવા છતાં સ્વદેશ પાછી ફરી ન હતી
અમરેલી, : અહીંની સાયબર ક્રાઇમ પોલીસે વિઝાની મુદ્દત પુરી થઈ જવા છતાં સાત વર્ષથી ભારત અમરેલીમાં વસવાટ કરતી નાઈઝિરિયન વિદેશી મહિલા નાગરિકની ધરપકડ કરી છે, તેની પાસે અનાધિકૃત બે પાસપોર્ટ મળી આવ્યા છે જેથી બે પાસપોર્ટ રાખવા તેમજ વિઝાની સમય મર્યાદાનું ઉલ્લંઘન કરવા સહિતનો ગુનો કર્યો છે. ભારતમાં વસવાટની 2017માં મુદ્દત પુરી થઈ જવા છતાં સ્વદેશ પાછી ફરી ન હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલા આરોપીનું નામ વેરોનિકા ઉચેનોમા એન્ડ્રૂ છે, જે નાઇજિરીયાની રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા આરોપી મેડિકલ એટેન્ડન્ટ વિઝા પર ભારત આવી હતી, જેની સમય મર્યાદા તા. 08/07/2017ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં, તે મુદત પુરી થઈ ગયા પછી તા. 29/05/2024 એટલે કે સાત વર્ષ સુધી ભારતમાં રહી હતી અને પોતાના વતન પરત ગઈ ન હતી.આ ઉપરાંત, મહિલા આરોપીએ નાઇજિરીયન પાસપોર્ટમાં વિઝાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ પણ ભારતમાં રહેવા માટે રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકા વાળો ફેક પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. આમ, ભારતમાં ગેરકાયદેસર રહેવા માટે મહિલા આરોપીએ અલગ-અલગ દેશના બે પાસપોર્ટ ધરાવીને ગુનો કર્યો હતો.આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોઘાવી અને મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસ ઓ જી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.