Get The App

યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગતી નાઇઝિરિયન ગેંગે 15 કરોડ પડાવ્યા,500 એકાઉન્ટ,900 ને ઠગ્યા

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગતી નાઇઝિરિયન ગેંગે 15 કરોડ પડાવ્યા,500 એકાઉન્ટ,900 ને ઠગ્યા 1 - image

વડોદરાઃ યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હી ખાતેથી ઝડપી પાડયા છે.

વડોદરાની એક યુવતી સાથે થોડા સમય પહેલાં અમેરિકાના વતની તરીકે અને યુકેની હાર્બર એનર્જીના કેમિકલ એન્જિનિયર તરીકે વાતચીત કરનાર ઠગે પોતે આસામમાં નોકરી કરવા આવનાર છે તેમ કહી વાતોમાં ફસાવી હતી.

વિદેશી ઠગ કેવી રીતે રૃપિયા માંગતો હતો

ત્યારબાદ ઠગે આસામના દિગ્બોઇ ખાતે મશીનરી લેવાની હોવાથી રૃપિયા માંગ્યા હતા.યુવતીએ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.ત્યારપછી એરપોર્ટ ખાતેથી તેનું પાર્સલ છોડાવવાના નામે રૃપિયા માંગ્યા હતા.આમ યુવતીએ કુલ રૃ.૨.૬૨ લાખ ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ ત્યારપછી પણ માંગણી ચાલુ રાખતાં યુવતી સમજી ગઇ હતી અને તેણે સાયબર સેલને ફરિયાદ કરી હતી.

 દિલ્હીમાં વોચ રાખી ત્રણ નાઇઝિરિયનને દબોચી લીધા

આ ગુનામાં વડોદરા સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની માહિતી મેળવી હતી અને દિલ્હીના બુરારી ખાતે વોચ રાખી લેઝુઓ ઓબિઓમા જહોન, જિબ્રિલ મહોમદ (બંને રહે.સંતનગર,બુરારી, દિલ્હી મૂળ નાઇઝિરિયા) અને એગબુલ્લે ઇકેન્ના (યુનિટેકહોરાઇઝન હાઉસ,ગ્રેટર નોઇડા,યુપી મૂળ નાઇઝિરિયા)ને ઝડપી પાડયા હતા.

સાદા વેશમાં રેકી કરી,200 મીટર દોડીને પીઆઇએ દબોચી લીધો

પોલીસે આરોપીઓને લોકેટ કર્યા પછી ૧૨ કલાક સુધી વોચ રાખી હતી અને ત્યારબાદ ત્રણેયને ઝડપી પાડયા હતા.આ પૈકી એક આરોપી ભાગી જતાં પીઆઇએ ૨૦૦ મીટર સુધી દોડીને તેને ઝડપી પાડયો હતો.

500 એકાઉન્ટ,900 લોકોની ફરિયાદ

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નાઇઝિરિયન ગેંગના બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.જેમાં તેમના જુદાજુદા 500 જેટલા બેન્ક ખાતા હોવાની વિગતો ખૂલી છે.આ ઉપરાંત આવા  બેન્ક ખાતાઓની સામે 1000 જેટલી ફરિયાદો થઇ હોવાની પણ પ્રાથમિક માહિતી મળી છે.


Google NewsGoogle News