Get The App

ન્યૂ યર ગિફ્ટ ગુજરાત સરકારને મોંઘી પડી, નવી 9 મહાનગરપાલિકા અને જિલ્લા વિભાજનનો વિરોધ

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
ન્યૂ યર ગિફ્ટ ગુજરાત સરકારને મોંઘી પડી, નવી 9 મહાનગરપાલિકા અને જિલ્લા વિભાજનનો વિરોધ 1 - image


Division of the District : નવી મહાનગરપાલિકા ઉપરાંત જીલ્લાનું વિભાજન કરી સરકારે ગુજરાતીઓને નવી  ભેટ આપી હતી પણ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં  પંચમહાલ સહિત અન્ય જિલ્લામાં પણ અસંતોષનો ચરુ ઉકળ્યો છે. આ ઉપરાંત નવી મહાનગરપાલિકા જાહેર થતાં સરદાર વલ્લભભાઇ પટેલના વતન કરમસદ માં વિરોધનો બૂગિંયો ફુંકાયો છે. આ જોતાં સરકાર માટે તો બકરું કાઢતાં ઉંટ પેઠુ હોય તેવી સ્થિતી સર્જાઇ છે. બનાસકાંઠા બાદ અન્ય જીલ્લાનુંય વસ્તી-વિસ્તાર આધારે સરકાર વિભાજન કરવા જઇ રહી છે ત્યારે આ મુદ્દે વિરોધ  વધુ વકરે તેવો સરકારને ડર પેઠો છે. 

પંચમહાલમાં ભાજપ ધારાસભ્ય ફતેસિંહ-નિમિષા સુથાર સામસામે

બનાસકાંઠા જિલ્લા વિભાજન કરી સરકાર ખુદ ભેખડે ભરાઇ છે. શિહોરી,કાંકરેજ,ધાનેરા અને દિયોદરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. વાવ-થરાદ જીલ્લાનું નવુ નામ ઓગડ જીલ્લો રાખવા સ્થાનિકોએ નક્કી કર્યુ છેકે, છેલ્લા શ્વાસ સુધી સરકાર સામે લડીશું. અનેક પ્રયાસો છતાંય  ભાજપ સરકારે વિરોધ ડામવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. ખુદ વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરીએ મેદાને ઉતરવું પડ્યુ છે તેમ છતાંય વિરોધ પ્રદર્શન જારી છે. આ કારણોસર સરકારની ચિંતા વધી છે.

હજુ અન્ય નવા જિલ્લાની રચના કરવા સરકાર વિચારી રહી છે ત્યારે પંચમહાલમાં ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના વતન ગુંદીને નવો તાલુકો જાહેર કરવા સરકાર સમક્ષ માંગ કરી છે જેના કારણે સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યાં છે. સ્થાનિકોનું કહેવુ છેકે, ફતેસિંહ પોતાની મનમાની કરી રહ્યાં છે. હાલ ધારાસભ્ય સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે.

આ બાજુ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારે ગોધરા તાલુકાના ગામોને નવિન તાલુકામાં સમાવેશ નહી કરવા ભલામણ કરી વિરોધ નોધાવ્યો છે. આમ,નવા તાલુકાને લઇને ભાજપના બંને ધારાસભ્યો આમને સામને આવ્યાં છે. 

આણંદ મહાનગરપાલિકામાં સરદારના વતનનો સમાવેશ કરતા વિરોધ વકર્યો છે.કરમસદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં બંધ પણ પાળવામાં આવ્યો હતો. એવો આક્ષેપ થઇ રહ્યો છેકે, કરમસદને આણંદ મનપામાં સમાવીને સરદાર પટેલનું નામ ભૂંસી નાખવા કારસો રચાયો છે જેના પગલે વિરોધ થઇ રહ્યો છે.  

બનાસકાંઠા બાદ વસ્તી-વિસ્તારની દ્રષ્ટિએ અન્ય જિલ્લા રચવા સરકારે નક્કી કર્યુ છે જેમાં કચ્છ,અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. નવા તાલુકાઓની પણ રચના થઇ શકે છે તે જોતાં આ બધાય જિલ્લાઓમાં બનાસકાંઠાવાળી થઇ શકે છે. આમ, સરકારને જિલ્લા-તાલુકાનું વિભાજન કરવું મોધું પડી શકે છે. અત્યારે એવી સ્થિતી છેકે, સરકારે ફુંકી ફુંકીને એક એક પગલું ભરવુ પડશે નહીતર, વિરોધનો સૂર ભભૂકી શકે છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ મુદ્દે  આંદોલન, સ્થાનિકો સરકારથી નારાજ

સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જોકે, સ્થાનિકોની માંગણી છેકે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનુ નામ વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાખો. વઢવાણ નામનો કોઇ ઉલ્લેખ કરાયો નથી ત્યારે વઢવાણવાસીઓ સરકારની નારાજ છે. અસ્મિતા મંચે કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી છે. લોકોનું કહેવુ છેકે, વઢવાણ ઐતિહાસિક નગરી છે.2500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા શહેર વઢવાણનું નામ સુરેન્દ્રનગરપાલિકા સાથે ન જોડવુ એ વઢવાણવાસીઓનું અપમાન છે. જો નામ રાખવામાં નહી આવે તો વઢવાણ શહેર બંધનું એલાન અપાશે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીલ્લાનું વિભાજન ભાજપને નડશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઢૂંકડી આવી રહી છે ત્યારે જીલ્લા વિભાજનનો મુદ્દો ભાજપને નડી શકે છે. બનાસકાંઠા બાદ અન્ય જીલ્લા-તાલુકાના વિભાજનને લઇને આંતરિક વિખવાદ વકર્યો છે. આ જોતાં ભાજપ સરકારને બનાસકાંઠા જીલ્લા વિભાજન કરવુ ભારે પડી શકે છે. 

બનાસકાંઠા જીલ્લાના વિભાજન મુદ્દે સરકારને ફેરવિચારણા કરશે

બનાસકાંઠા જીલ્લાનુ વિભાજન કરવુ સરકારને ભારે પડી રહ્યુ છે કેમકે, કાંકરેજ,ધાનેરા અને દિયોદરવાસીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે તે જોતા જીલ્લા વિભાજન બાદ સરકારને ફેર વિચારણા કરવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. કાંકરેજના કેટલાંક ગામોને બનાસકાંઠા જીલ્લામાં સમાવેશ કરાશે તેવુ ચર્ચાઇ રહ્યુ છે.  

ઓગડ જિલ્લો બનાવવા ગેનીબેન ઠાકોર મેદાને, દિયોદરમાં બાઇક રેલી યોજાઇ

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધના સૂર ઉઠયાં છે. દિયોદર,કાંકરેજ, થરાદમાં સ્થાનિકો વિરોધ કરી રહ્યાં છે ત્યારે હવે ઓગડ  જિલ્લો બનાવો તેવી માંગ સાથે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર હવે મેદાને પડ્યાં છે. તેમનું કહેવુ છેકે, એક વ્યક્તિના અહમ ખાતર બનાસકાંઠા જિલ્લાનુ આડેધડ વિભાજન કરાયુ છે. વાસ્તવમાં સરકારે સ્થાનિકોને સાંભળવા જોઇએ પછી વિભાજનનો નિર્ણય લેવો જોઇએ. આ મામલે સરકાર પુન વિચારણા કરે તે માટે સરકારમાં રજૂઆત કરીશું. આ તરફ ધાનેરા,કાંકરેજમાં વિરોધ પ્રદર્શન યથાવત રહ્યુ છે ત્યારે આજે ઓગડ જીલ્લાની માંગ સાથે દિયોદરમાં બાઇક રેલી યોજાઇ હતી.દિયોદરવાસીઓ નવા જીલ્લાનુ નામ ઓગડ જીલ્લો રાખવા માંગ બુલંદ બનાવી છે. 

મહુવા જીલ્લો બને તો મોરારીબાપુને શું લાભ ?

કથાકાર મોરારીબાપુએ પણ બનાસકાંઠા જિલ્લાની જેમ અલાયદો જીલ્લો બને તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. ચિત્રકુટ એવોર્ડ સમારોહ વખતે મોરારીબાપુએ કહ્યુંકે, ધારાસભ્ય અહીં બેઠા છે, ત્યારે મહુવાને જીલ્લા તરીકે લાભ મળે તે ઇચ્છનીય છે. આમ,  બનાસકાંઠા પછી વધુ જીલ્લા વિભાજન થાય તેવી માંગ ઉઠવા માંડી છે જેથી સરકાર પણ ચિંતાતુર બની છે. 


Google NewsGoogle News