Get The App

દબાણ હટાવવા નવી સ્ટ્રેટેજી : દિવસે ઝુંપડા અને રાત્રે લારી ગલ્લા દૂર કરાશે

Updated: Feb 3rd, 2025


Google News
Google News
દબાણ હટાવવા નવી સ્ટ્રેટેજી : દિવસે ઝુંપડા અને રાત્રે લારી ગલ્લા દૂર કરાશે 1 - image


રજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે

કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ ગમે ત્યારે કોઈપણ સેક્ટરમાં કામગીરી કરશે : રાત્રે લારી ગલ્લા વધતા હોવાને પગલે નિર્ણય

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં હાલ કોર્પોરેશન દ્વારા મેગા દબાણ ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે જે અંતર્ગત હવે નવી સ્ટ્રેટેજી અમલમાં મૂકવામાં આવી છે. દિવસ દરમિયાન સરકારી જમીન ઉપરથી ઝુંપડા હટાવવાની સાથે રાત્રિના સમયે લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવશે. એટલું જ નહીં રજાના દિવસે પણ આ કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારી જમીન ઉપર દબાણોની સંખ્યા વધી રહી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની આગેવાનીમાં મેગા દબાણ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત અલગ અલગ સેક્ટરો અને નવા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ઊભા થઈ ગયેલા ઝૂંપડા અને લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઝૂંપડાના દબાણો હટાવી દેવામાં આવે છે પરંતુ લારી ગલ્લાના દબાણમાં એવી બાબત ધ્યાને આવી છે કે દિવસ દરમિયાન તેઓ તેમની જગ્યા ઉપર થી લારી ગલ્લો હટાવીને રાત્રિના સમયે ગોઠવી દેતા હોય છે. જેના પગલે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવા મામલે પણ નવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી ઝુંપડાના દબાણ દૂર કરવામાં આવ્યા બાદ રાત્રિના સમયે લારી ગલ્લાના દબાણો હટાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ઝોનમાં આવેલા રિલાયન્સ રોડ, કુડાસણ ચોકડી અને પીડીપીયુ રોડ ઉપર આ કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે રજાના દિવસે પણ દક્ષિણ ઝોનની ટીમોએ અલગ અલગ વિસ્તારમાં આ કામગીરી કરી હતી અને રાત્રિના સમયે મોટી સંખ્યામાં લારી ગલ્લાના દબાણો દૂર કર્યા હતા તેમજ જપ્ત પણ કરી લીધા હતા.

Tags :
GandhinagarLorry-congestion-will-be-eliminated

Google News
Google News