નિઃસંતાન દંપતીઓ ગર્ભાધાનની શક્યતા કેટલી છે તે જાણી શકશે
વડોદરાઃ ઘણા નિસંતાન દંપતીઓ સંતાનને જન્મ આપવા માટે આઈવીએફ(ઇન વિટ્રે ફર્ટિલાઈઝેશન) ટેકનિકનો સહારો લેતા હોય છે.હવે આ ટેકનિકથી બાળક પેદા થવાની શક્યતા કેટલી છે તે જાણી શકાશે.ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થના સંશોધકોએ ખાનગી યુનિવર્સિટીની મદદથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત એક ટૂલ(મેડિકલ ટેસ્ટની પધ્ધતિ) વિકસાવ્યું છે.બહુ જલ્દી માર્કેટમાં તે ઉપલબ્ધ થશે.
એમ.એસ.યુનિવર્સિટીના બાયો કેમેસ્ટ્રી વિભાગની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના ભાગરુપે યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો આજે પ્રારંભ થયો હતો.ગર્ભાધાનની શક્યતાઓની જાણકારી આપતું ટૂલ વિકસાવનાર ટીમના મુખ્ય વૈજ્ઞાાનિક ડો.દીપક મોદીએ આજે કોન્ફરન્સમાં તેના અંગે જાણકારી આપી હતી.
ડો.મોદીએ એક વાતચીતમાં કહ્યું હતું કે, ભારતમાં વંધ્યત્વનું પ્રમાણ વધી રહ્યું છે.૧૦માંથી એક દંપતીને બાળક પેદા કરવામાં સમસ્યા નડે છે.નિ ઃસંતાન દંપતીઓના ૫૦ ટકા મામલામાં પુરુષના શુક્રાણુંઓ ઓછા હોવાના કારણે ગર્ભ રહેતો નથી હોતો.આવા કિસ્સામાં દંપતીઓ આઈવીએફ ટેકનિકનો સહારો લેતા હોય છે.અમે ૫૦૦૦ દર્દીઓના ડેટાનો સહારો લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની આધારિત એક ટૂલ બનાવ્યું છે.જેની મદદથી મેડિકલ ટેસ્ટ કરીને દંપતિને આઈવીએફ ટેકનિકમાં ગર્ભ રહેવાની શક્યતા કેટલી છે તેની આગાહી કરી શકાય છે.અમે જે અખતરા કર્યા છે તેમાં આ ટૂલને ૮૦ ટકા જેટલી સફળતા મળી છે અને હવે તેને માર્કેટમાં લોન્ચ કરાશે.મહત્વની વાત એ છે કે, આ ટૂલ ભારતના લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરી શકાયું છે.
ડો.મોદીના જણાવ્યા અનુસાર આઈવીએફ ટેકનિક ખર્ચાળ હોય છે અને જો દંપતીને ખબર હોય કે ગર્ભ ધારણ થવાની શક્યતા બહુ ઓછી છે તા તેમનો આ ખર્ચ બચી શકે છે.
મેલેરિયાના જીવાણુંઓ પણ દવાઓની સામે પ્રતિકારક ક્ષમતા કેળવી રહ્યા છે
આફ્રિકાના કેટલાક દેશોની સાથે ભારતમાં પણ મેલેરિયાની દવા અસર ના કરતી હોય તેવા દર્દીઓ જોવા મળી રહ્યા છે
એન્ટિ બાયોટિક દવાઓના સતત ઉપયોગના હવે કેટલાક બેકટેરિયાએ તેનો સામનો કરવાની ક્ષમતા કેળવી લીધી છે અને તેવું જ મેલેરિયાના મામલામાં થયું છે.મેલેરિયાના જીવાણુંઓએ પણ અત્યારે પ્રચલિત દવાઓ સામે પ્રતિકાર કરવાની ક્ષમતા કેળવી લીધી છે અને આવા કિસ્સા ભારતમાં પણ જોવા મળી રહ્યા છે તેમ બેંગ્લોર સ્થિત જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચના પ્રમુખ ડો.હેમલથા બલરામે એક વાતચીતમાં કહ્યું હતું.
એમ.એસ.યુનિવર્સિટીના બાયો કેમેસ્ટ્રી વિભાગની કોન્ફરન્સમાં લેકચર આપવા માટે આવેલા ડો.બલરામ મેલેરિયાના જીવાણુંઓ પર સંશોધન કરી રહ્યા છે.તેમણે એક વાતચીતમાં કહ્યું હતું કે, યુરોપના દેશોએ મેલેરિયાની બીમારીને નાબૂદ કરી નાંખી છે પરંતુ ઉષ્ણકટિબંધિય હવામાનવાળા દેશોમાં મચ્છરોનું અસ્તિત્વ વ્યાપક છે અને ત્યાં મેલેરિયાનો ખાતમો કરવો મુશ્કેલ છે.ભારતની વાત કરવામાં આવે તો આપણે ત્યાં પણ મેલિરિયાના હજારો કેસ નોંધાય છે પણ ચોંકાવનારી વાત એ છે કે, વિએટનામ, કમ્બોડિયા, લાગોસ અને આફ્રિકાના કેટલાક દેશોની જેમ આપણે ત્યાં પણ હવે મેલેરિયાના જીવાણુંઓ મેલેરિયાની દવાનો સામનો કરવાની ક્ષમતા કેળવી રહ્યા છે.અત્યારે મેલેરિયાની સારવાર માટે ત્રણ દવાઓનું કોમ્બિનેશન પ્રચલિત છે પરંતુ નોર્થ ઈસ્ટના રાજ્યો તેમજ ઓરિસ્સામાં એવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે જેના પર અત્યારની દવાઓની અસર ઓછી જોવા મળી રહી છે.આવા દર્દીઓને વધારે માત્રામાં દવાઓનો ડોઝ આપવો પડી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં મેલેરિયાની નવી રસી કે દવા વિકસાવવાની પણ જરુર પડી શકે છે.
નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિક વેંકી આજે લેકચર આપશે
બાયો કેમેસ્ટ્રી વિભાગની ત્રણ દિવસની કોન્ફરન્સમાં તા.૨૮ ડિસેમ્બર, શનિવારે નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિક અને એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ડો.વેંકટરામન રામક્રિષ્નન પણ આપણું મૃત્યું કેમ થાય છે અને અમરત્વ પામવા માટેની શોધ... વિષય પર વકતવ્ય આપશે.