15 કરોડના ખર્ચે બનેલા ફાર્મસી ફેકલ્ટી અને પરીક્ષા ભવનના નવા બિલ્ડિંગ કાર્યરત થતા નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના નવા પરીક્ષા ભવન અને ફાર્મસી ફેકલ્ટીના નવા બિલ્ડિંગને કાર્યરત કરવામાં વિલંબ થઈ રહ્યો છે.હજી પણ આ બંને બિલ્ડિંગમાં ફર્નિચર અને બીજી કામગીરી બાકી છે અને તે જોતા બંને બિલ્ડિંગ નવા શૈક્ષણિક વર્ષમાં જ કાર્યરત થાય તેવી શક્યતા છે.
ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર, ઈન્ચાર્જ અધિકારીઓ અને ઈન્ચાર્જ ડીનોના કારણે યુનિવર્સિટીનો વહિવટ રગશિયા ગાડાની જેમ ચાલી રહ્યો છે અને આ બંને બિલ્ડિંગનું લોકાર્પણ પણ પાછું ઠેલાઈ રહ્યું છે.હેડ ઓફિસની પાછળ બનાવાયેલા નવા બિલ્ડિંગને પરીક્ષા વિભાગ નામ અપાયું છે.તેનું બાંધકામ ૨૦૨૧માં શરુ કરાયું હતું.આ બિલ્ડિંગમાં યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ખસેડવાની યોજના છે.જોકે હજી પણ અહીંયા ફર્નિચરના ઠેકાણા નથી.ફર્નિચર ખરીદવા માટેની પ્રક્રિયા હજી પણ ચાલી રહી છે તેવું સૂત્રોનું કહેવું છે.આ બિલ્ડિંગ પાછળ લગભગ પાંચ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.
ફાર્મસી ફેકલ્ટીના નવા બિલ્ડિંગની પણ આવી જ હાલત છે.ડોનર્સ પ્લાઝામાં ૨૦૧૮માં ફેકલ્ટીનું નવું બિલ્ડિંગ બનાવવાની શરુઆત થઈ હતી.આ પ્રોજેકટ પાછળ ૧૦ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.બિલ્ડિંગનું બાંધકામ, ઈલેક્ટ્રિફિકેશન પૂરુ થઈ ગયું છે પરંતુ લેબોરેટરી અને બીજું કામ હજી પણ ચાલી રહ્યું છે.આમ આ બિલ્ડિંગ પણ હવે નવા શૈક્ષણિક વર્ષમાં જ કાર્યરત થાય તેવી શક્યતા છે.બીજી તરફ યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં નવી હોસ્ટેલ બનાવવાની યોજના તો છેલ્લા પાંચ વર્ષથી કાગળ પર જ રહી છે અને ત્યાંથી આગળ વધી જ રહી નથી.