અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને ઝંઝટમાંથી મુક્તિ, ટિકિટ ભાડા માટે ક્યુઆર કોડની સુવિધા શરૂ
Image Twitter |
New Facility Launched at Ahmedabad Railway Station : ભારતીય રેલવે મુસાફરોને ધ્યાનમાં રાખી હંમેશા વિવિધ સુવિધા શરુ કરતાં રહે છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર રોજના હજારોની સંખ્યામાં મુસાફરોની પ્રવાસ કરે છે. અને મુસાફરી માટે લોકો સ્ટેશન ઉપરથી ટિકિટ લેતા હોય છે તેમા મોટા ભાગે ટિકિટ માટે છૂટા પૈસા ન હોવાથી ખૂબ જ મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ હવે અમદાવાદ રેલવે દ્વારા મુસાફરોને આ ઝંઝટમાંથી મુક્તિ અપાવી છે. મુસાફરોની સુવિધા માટે અમદાવાદ રેલવે મંડળ દ્વારા ટિકિટના ભાડા માટે ક્યુઆરકોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેના કારણે ડિજિટલ પેમેન્ટને વેગ મળશે અને મુસાફરોને પણ છૂટા પૈસાની ઝંઝટમાંથી રાહત મળી રહેશે.
આજના ડિજિટલ યુગમાં પેમેન્ટને વેગ આપવા માટે મોટાભાગની જગ્યા ઉપર ડિજિટલ પેમેન્ટ શરુ કરવામાં આવ્યું છે, પરંતુ હવે રેલ્વે સ્ટેશન પર પણ ક્યુઆરકોડથી પેમેન્ટ કરવાની સુવિધા શરુ કરવામાં આવી છે. અમદાવાદ રેલવે મંડળ દ્વારા રેલ ટિકિટ ભાડાના પેમેન્ટ માટે QR કોડની સુવિધ શરૂ કરવામાં આવી છે. જેથી હવે મુસાફરોને ટિકિટ લેવામાં ટાઈમ બચશે અને છૂટા પૈસાના પ્રશ્નો પણ નહીં થાય.
અમદાવાદ પશ્ચિમ રેલવે મંડળનો પ્રયાસ
અમદાવાદ રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ સિસ્ટમની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધા અમદાવાદ મંડળના વિવિધ મુખ્ય સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે શરુ કરાવામાં આવી છે. જેથી હવે રેલવે મુસાફરોને હવે ટિકિટ ભાડાનું પેમેન્ટ ચૂકવવા માટે UTS મોબાઈલ એપ, ATVM (QR કોડ ની સુવિધા સાથે), POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પો મળી રહેશે.
કાળુપુર સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર કાઉન્ટર ઉપલબ્ધ
હાલમાં આ સુવિધા અમદાવાદના કાળુપુર સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 4 કાઉન્ટર અને ગાંધીધામ રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટરના 3 કાઉન્ટર પર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો મુસાફરો લાભ લઈ શકશે.