વીસીની નિકટના અધ્યાપકને કોમર્સ ડીન બનાવવા રાતોરાત એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક બોલાવાઈ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે પ્રો.કેતન ઉપાધ્યાયની મુદત પૂરી થયા બાદ ઈન્ચાર્જ ડીન તરીકે જે કે પંડયાની નિમણૂંક કરવામાં આવી છે.
ડીન બનાવવા માટે અધ્યાપક પ્રોફેસર હોય તે જરુરી છે.જે કે પંડયા વાઈસ ચાન્સેલરની નિકટના મનાય છે.તેમને પ્રોફેસર બનાવવા માટે કોમર્સના એકાઉન્ટ વિભાગમાં અધ્યાપકોને પ્રમોશન માટેના ઈન્ટરવ્યૂ ગત સપ્તાહે ગોઠવવામાં આવ્યા હતા.જેમાં જે કે પંડયાનો પણ સમાવેશ થતો હતો.
ઉલ્લેખનીય છે કે, કોમર્સના સૌથી સિનિયર પ્રોફેસર પ્રજ્ઞોશ શાહને શૈક્ષિક સંઘના એક કાર્યક્રમમાં વાઈસ ચાન્સેલર સાથે તડાફડી થઈ હતી અને તેના કારણે વાઈસ ચાન્સેલરે સૌથી સિનિયર પ્રોફેસર હોવા છતા ડો.શાહની ડીન પદ માટે ઉપેક્ષા કરી છે.
બીજી તરફ જે કે પંડયાને પ્રોફેસર તરીકે પ્રમોશન આપવાની દરખાસ્તને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મંજૂરી મળે તે પણ જરુરી હોવાથી વાઈસ ચાન્સેલરે પ્રો.કેતન ઉપાધ્યાયની મુદત પૂરી થવાના ૨૪ કલાક પહેલા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક બોલાવી હતી અને તેમાં જે કે પંડયાને પ્રોફેસર બનાવવાની દરખાસ્ત પસાર કરાઈ હતી.
એ પછી આજે જે કે પંડયાને ઈન્ચાર્જ ડીન બનાવવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. પ્રો.કેતન ઉપાધ્યાય પાસે ડીનની સાથે ત્રણ વિભાગના હેડનો પણ ચાર્જ હતો.તેમની મુદત પૂરી થયા બાદ એકાઉન્ટ વિભાગમાં સાવિત્રી ચેલાની, બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગમાં નંદિની કન્નન અને કો ઓપરેટિવ એન્ડ રુરલ સ્ટડીઝ વિભાગમાં કમલેશ વાળાને ઈન્ચાર્જ હેડનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.