જામનગરના માર્કેટિંગ યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે નવા ધાણાના 'શ્રી ગણેશ' થયા
Jamnagar Hapa Marketing Yard : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અંગ્રેજી નવા વર્ષના પ્રારંભની સાથે આજે ગુરૂવારે સવારે નવા ધાણાની આવક થઈ છે. જામકંડોરણા પંથકના ખેડૂત ધીરુભાઈ વલ્લભભાઈ દ્વારા પોતાના 20 કિલોની ત્રણ બેગ ભરીને ધાણાને માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવ્યા હતા, અને તેના સોદા થયા હતા.
જેની હરાજી દરમિયાન 20 કિલોની બેગનો 5611 નો ભાવ બોલાયો હતો, અને જામનગરના માંગલ એન્ટરપ્રાઇઝ નામના એજન્ટની મારફતે આશિષ ટ્રેડિંગ કંપની દ્વારા તેની ખરીદી કરવામાં આવી હતી, અને નવા વર્ષના પ્રારંભની સાથે જ ધાણાની આવક શરૂ થઈ ગઈ છે.
સામાન્ય રીતે 1400 થી 2000 રૂપિયાની 20 કિલોની ધાણાની બેગના સોદા થતા હોય છે, પરંતુ આ પ્રારંભે 5611 નો ઊંચો ભાવ બોલાયો હતો. જેથી આ વખતે ધાણાના વેચાણના પણ ઊંચા ભાવ બોલાશે તેમ મનાઈ રહ્યું છે અને ખેડૂતો માટે આનંદદાયક સમાચાર છે.