વડોદરા એપીએમસી સામે અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બનાવી ડીઝલ વેચવાનું નેટવર્ક પકડાયું
વડોદરાઃ વડોદરા એપીએમસી સામે ની પાર્કિંગની જગ્યામાં ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદે વેચાણ થઇ રહ્યું હોવાની વિગતોને પગલે એસઓજીએ દરોડો પાડી ડીઝલ જેવો જથ્થો અને સાધનો કબજે કર્યા હતા.
સયાજીપુરા ખાતે એપીએમસી સામે આવેલા મીનાક્ષી પાર્કિંગમાં કેટલાક લોકો અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બનાવીને જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ કરતા હોવાની અને તેનું વાહન ચાલકોને છૂટક વેચાણ કરી રહ્યા હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.
પોલીસે ફોરેન્સિકની ટીમને પણ સાથે રાખી હતી.સ્થળ પર તપાસ કરતાં એક જમીનમાં દાટેલી ટાંકી મળી હતી.જેમાં ડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી હતું.પોલીસે નોઝલ, પંપ,ત્રણ હજાર લીટરની કેપિસિટી ધરાવતી સફેદ ટેન્ક સહિતની કુલ રૃ.૧.૬૨ લાખની કિંમતની ચીજો કબજે કરી હતી.
બનાવ વખતે હાજર રહેલા વોચમેનની પૂછપરછ કરવામાં આવી હતી અને નાજુ ભરવાડ,રાજુ ભરવાડ તેમજ રાહુલ નામની વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. એસઓજીએ આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી કાર્યવાહી કરી હતી.
20 દિવસ પહેલાં અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક બનાવી હતી,ઓનલાઇન પેમેન્ટ લેતા હતા
હાઇવે પર વાહન ચાલકોને છૂટકમાં ડીઝલ જેવું પ્રવાહી વેચતા નાજુ ભરવાડ અને તેના બે સાગરીતોએ ૨૦ દિવસ પહેલાં અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક બનાવી હોવાની પોલીસને માહિતી મળી છે.એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ સી બી ટંડેલે કહ્યું છે કે,જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરીને ઓનલાઇન પેમેન્ટ લેવામાં આવતું હતું.જેથી હાજર નહિ મળેલા શખ્સોના મોબાઇલની ડીટેલ પણ તપાસવામાં આવશે.