મામી પર હુમલો કરી જીવતી સળગાવી દેવાની ધમકી આપતો ભાણેજ
નજીવી બાબતે મામી સાથે ઝઘડો થતા ભાણેજે દારૂના નશામાં મામી પર હુમલો કરી શારીરિક અડપલા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે જે.પી.રોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાસણા રોડ પર રહેતી પરિણીતાએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. 27મી એ રાતે સાડા દશ વાગ્યે હું મારા પતિ સાથે ફોન પર વાત કરતી હતી. મેં તેઓને કહ્યું કે, દુકાન માટે વાસણો અને પાણીની ટયૂબ મંગાવી હતી. તે કેમ નથી લાવ્યા ? તમે લોકો પાસે કેમ બધું માંગો છો ? આ સાંભળીને મારો ભાણેજ મને કહેવા લાગ્યો કે, હું લોકો છું ? તે મને ગાળો બોલી ઘરની બહાર જતો રહ્યો હતો. ઘરની બહાર સંતાઇને તે જોયા કરતો હતો. મેં મારા પતિને કહ્યું કે, એટલે જ હું ના પાડું છું કે, ભાણેજને આપણા ઘરમાં નહીં આવવા દેવાનો. આ સાંભળીને મારો ભાણેજ ફરીથી ઘરમાં આવી ગયો હતો. દારૂના નશામાં તે મને ઘરની બહાર ખેંચી ગયો હતો અને શારીરિક અડપલા કરી મારી સાથે ઝપાઝપી કરી હતી. તે દરમિયાન મારી વીંટી પડી ગઇ હતી. ભાણેજે મને ગાલ પર થપ્પડ મારી ધક્કો માર્યો હતો. હું નીચે પડી જતા ઘુંટણ પર ઇજા થઇ હતી. મારા ભાણેજે મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. મેં 100 નંબર પર કોલ કરતા મારો ભાણેજ હાથમાં ચપ્પુના ઘા સાથે આવ્યો હતો. તેણે મારા પર આરોપ લગાવ્યો કે, તે મને ચપ્પુના ઘા માર્યા છે. તું ધંધા કરે છે. અને ધંધાવાળી છે. તેવું કહીને તેણે મારી માનહાનિ કરી જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. તે દરમિયાન મારા નણંદ આવી ગયા હતા. તેમણે પણ મને માર માર્યો હતો. આ ઘર તારૂં નથી, આ ઘરમાં આવતી નહીં. તેવું કહીને ઝપાઝપી કરતા મારી ડાયમંડની બુટ્ટી પડી ગઇ હતી. મને હાથ, પગ અને ખભા પર ઇજા થતા હું સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં ગઇ હતી.