વડોદરામાં ઉત્તરાયણ પર સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશી બાખડયા : સામ-સામે ફરિયાદ
Vadodara : વડોદરાના ડભોઇ રોડ જયનારાયણ નગરમાં સ્પીકર વગાડવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા પ્લાસ્ટિકની પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
ડભોઇ રોડ જય નારાયણનગરમાં રહેતા સાગર ભરતકુમાર અજમેરી રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સવા નવ વાગ્યે હું મારી બહેન અલકાબેનના નણંદોઇ તથા નણંદ તથા તેમના છોકરાઓને મુકવા માટે આજવા રોડ કાન્હા હાઇટ્સમાં ગયો હતો અને રાતે 10 વાગ્યે ઘરે પરત આવ્યો હતો. ત્યારે અમારી સોસાયટીમાં રહેતા દર્પણ તથા તેના પિતા પૂનમભાઇ મારી બહેન રીટા તથા અલકા સાથે ઝઘડો કરતા હતા. દર્પણ તેના ઘરેથી પ્લાસ્ટિકની પાઇપ લાવીને મારી બહેનને જમણી આંખની પર ઇજા પહોંચાડી હતી. હું મારી બહેનને છોડવવા જતાં મને પગના ભાગે પાઇપ મારી દીધી હતી. મારી બીજી બે બહેનોને પણ પિતા-પુત્રે ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દર્પણ મોટેથી સ્પીકર વગાડતો હતો. જેથી, મારી બહેને અવાજ ધીમો કરવાનું કહેતા ઝઘડો કર્યો હતો.
જ્યારે સામા પક્ષે દર્પણ મોદીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું અમારા ઘરના ધાબા પર સ્પીકર વગાડતો હતો. રાતે 10 વાગ્યે પાડોશમાં રહેતા રીટાબેન તથા અલકાબેને અવાજ ધીમો કરવાનું કહેતા મેં કહ્યું હતું કે, દશ વાગી ગયા છે. 10 મિનિટમાં બંધ જ કરું છું. જેથી, અલકાબેને ઝઘડો કર્યો હતો. મારા પર પ્લાસ્ટિકની પાઇપ વડે હુમલો કર્યો હતો.