પત્ની સાથે સંબંધ ધરાવતા પાડોશીની હત્યા કરી નાખી, આરોપી ઝડપાયો
રાજકોટના કોઠારીયા રેલ્વે સ્ટેશન પાસેની ઘટના એકાદ માસ પહેલાં બંને પક્ષો વચ્ચે ઝઘડો થયા બાદ સમાધાન પણ થઈ ગયું હતું
રાજકોટ, : મૂળ વિસાવદરના માંડાવડ ગામના અને હાલ કોઠારીયા રેલ્વે સ્ટેશન પાસે હરિદ્વાર સોસાયટી-1માં રહેતાં ભક્તિરામ મગનલાલ નિમાવત (ઉ.વ. 45)ની ગઈકાલે આરોપી રામજી મંગાભાઈ મકવાણા (રહે. ગણેશ પાર્ક શેરી નં.2)એ સુયા જેવા ધારદાર હથિયારનો એક જ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. પોલીસ તપાસમાં આરોપીએ પોતાની પત્ની સાથેના સંબંધોને કારણે હત્યા કર્યાનું બહાર આવ્યું છે.
હત્યાનો ભોગ બનનાર ભક્તિરામ ગણેશ પાર્ક સોસાયટીમાં પાણી વિતરણનુંં કામ કરતા હતા. ગઈકાલે સાંજે 6.30 વાગ્યે ગણેશ પાર્કમાં આવેલી શેઠ કિશોરભાઈ હિરાણીની ઓફિસે બેસવા જવાનું કહી ઘરેથી નીકળી ગયા હતા. જયાં સેટી પર જઈ આરામ કરતા હતા. જયારે તેના શેઠ ખુરશી પર બેઠા હતા.
આ વખતે રાત્રે આઠેક વાગ્યે આરોપી રામજી ત્યાં ઘસી ગયો હતો અને ભક્તિરામને છાતીના ભાગે સુયા જેવા ધારદાર હથિયારનો એક જ ઘા ઝીંકી ભાગી ગયો હતો. તેને કિશોરભાઈએ પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હાથમાં આવ્યો ન હતો. ત્યાર પછી લોહીલુહાણ હાલતમાં રહેલા ભક્તિરામને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં તબીબોએ જવાબ દેતાં સિવીલ લઈ અવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. આજી ડેમ પોલીસે તેની પત્ની ઈલાબેનની ફરિયાદ પરથી ખુનનો ગુનો નોંધ્યો હતો.
ફરિયાદમાં ઈલાબેને જણાવ્યું હતું કે આરોપી રામજીની પત્નીને તેનો પતિ મોબાઈલમાં મેસેજ કરતો હતો. જે બાબતે એકાદ માસ પહેલાં આરોપી રામજી અને તેની પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે-તે વખતે તેણે આરોપી રામજીની પત્નીને તેના પતિ સાથે કોઈ સંબંધ નહીં રાખવા સમજાવટ કરી હતી. જેને કારણે તે વખતે સમાધાન પણ થઈ ગયું હતું. આમ છતાં તેનો ખાર રાખી આરોપી રામજીએ તેના પતિની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી રામજી શહેર છોડી ભાગે તે પહેલાં ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ઝડપી લઈ આજી ડેમ પોલીસના હવાલે કર્યો હતો. તપાસનીશ પીઆઈ એ.બી. જાડેજાએ જણાવ્યું હતું કે આરોપીની પત્ની સાથેના સંબંધને કારણે હત્યા થયાનું બહાર આવ્યું છે. હત્યાનો ભોગ બનનાર ભક્તિરામને સંતાનમાં 9 વર્ષનો પુત્ર છે. તે ચાર ભાઈ અને ચાર બહેનમાં બીજા નંબરના હતા.