કલોલના અંબિકા હાઈવે પર ટોલ પ્લાઝાની બેદરકારી, ટ્રાફિકજામની સમસ્યા વકરી
Negligence Of Toll Plaza In Kalol: કલોલ શહેરમાંથી પસાર થતા અમદાવાદ મહેસાણા હાઈવે પર ટોલ પ્લાઝા દ્વારા છાસવારે સમારકામ હાથ ધરવામાં આવે છે. આ દરમિયાન વૈકલ્પિક માર્ગ આપવામાં આવતો નથી જેને કારણે સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફિકજામ રહેતો હોય છે. આ ટ્રાફિકજામને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
કલોલના અંબિકા હાઇવે પરથી દિવસ રાત હજારો વાહનો પસાર થતા હોય છે. તંત્ર દ્વારા રોડ રસ્તાની જાળવણી બાબતે દુર્લક્ષ સેવવમાં આવતું હોય છે. રસ્તો બનાવતી વખતે કે સફાઈ દરમિયાન ઢંગધડા વગરની કામગીરી થતી હોવાથી અવારનવાર સમારકામ કરવાની ફરજ પડે છે. આજે (21મી જૂન) મહેસાણા તરફ જતા માર્ગ પર સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેને કારણે સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફિકજામ રહ્યો હતો. જેના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.
કલોલના અંબિકા હાઇવે પર સમારકામ હાથ ધરવાની આગોતરી સૂચના આપવામાં આવતી નથી. અચાનક જ રોડ ઉપર બ્લોક મૂકીને સમારકામ હાથ ધરવામાં આવતું હોય છે. જેને કારણે હજારો વાહન ચાલકો ટ્રાફિકમાં હેરાન થતા હોય છે. આ હાઇવે પરથી મોટી સંખ્યામાં દર્દીઓને લઈને હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હોય છે. જેથી દર્દીઓને ઝડપથી સારવાર મળી શકતી નથી. હાઇવે પર ટ્રાફિક જામ થતા મોટાભાગના વાહનો સર્વિસ રોડ પર વળી જાય છે. મુખ્ય હાઇવે અને સર્વિસ રોડ બંને બ્લોક થઈ જતા હોય છે. જેથી ત્યાંથી પસાર થતાં કલોલના સ્થાનિકો પણ અગવડનો સામનો કરી રહ્યા છે.