NEET UGમાં રાજકોટના એક જ પરીક્ષા કેન્દ્રના 12 વિદ્યાર્થીના 700થી વધારે માર્કથી અનેક તર્કવિતર્ક
NEET UG 2024: નીટ યુજી 2024નું પરિણામ જાહેર થયા બાદ ફરીથી એક વખત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ વખતે રાજકોટના એક જ સેન્ટર પરથી 12 વિદ્યાર્થીઓને 700થી વધારે માર્ક આવ્યા છે અને સિકર સેન્ટર પરથી 8 વિદ્યાર્થીઓને 700થી વધારે માર્ક આવ્યા છે. આ આંકડા નવાઈ લાગે એવા એટલા માટે છે કારણ કે ભારતમાં મેડિકલ પ્રવેશ માટેની આ પરીક્ષા સૌથી અઘરી પૈકીની એક પરીક્ષા માનવામાં આવે છે.
સામાન્ય રીતે કોઈ એક કેન્દ્ર પરથી વધી વધીને બે કે ત્રણ પરીક્ષાર્થીઓ જ 700થી વધારે માર્કસ લાવી શકે છે. પરંતુ જો આટલા બધા વિદ્યાર્થીઓને એકસાથે આટલા વધારે માર્ક આવે તો શંકા જાગે. અને શંકા જાગે એ પણ વ્યાજબી એટલા માટે છે કે છેલ્લા કેટલાક સમયમાં NTA પર અને આ પરીક્ષામાં પેપર લીક જેવી ઘટનાઓના કારણે સમગ્ર માળખા પર પ્રશ્નો ઊભા થઈ ચૂક્યા છે.
ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને કેટલાક ભેજાબાજોએ ફરીથી જાહેર કરવામાં આવેલા પરિણામ બાદ પણ અમુક ચોંકાવનારા આંકડા પકડ્યા હતા અને જાતજાતના તર્ક વિતર્ક કરવાનું શરૂ કરી દીધું.
રાજકોટના આંકડાને લઈને તર્ક વિતર્ક
ગુજરાતના રાજકોટમાં એક જ પરીક્ષા કેન્દ્ર પર 12 વિદ્યાર્થીઓને 700થી વધારે માર્ક આવ્યા છે. આ પરીક્ષા કેન્દ્ર રાજકોટના યુનિટ-1 સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ આર. કે. યુનિવર્સિટીનું છે. અહીંથી પરીક્ષા આપનાર લગભગ 85% લોકોએ પરીક્ષા પાસ કરી છે. જે સૌથી વધારે છે. અહીં 115 વિદ્યાર્થીઓને 650થી વધારે, 259થી વધારે વિદ્યાર્થીઓને 600થી વધારે અને 403 વિદ્યાર્થીઓને 550થી વધારે માર્ક આવ્યા છે. આ પરીક્ષા કેન્દ્ર પરથી 1968 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
સિકરમાં 8 વિદ્યાર્થીઓને 700થી વધુ માર્ક
આ સિવાય રાજસ્થાનના સિકરમાં આવેલા વિદ્યા ભરતી પબ્લિક સ્કૂલ પરીક્ષા કેન્દ્ર સેન્ટર નંબર-392349 ના આંકડા પણ ચોંકાવનારા છે. અહીં પરીક્ષા આપનાર 1001 ઉમેદવારોએ 5 મેના રોજ NEET UG પરીક્ષા પાસ કરી હતી. અહીં 8 વિદ્યાર્થીઓને 700થી વધારે માર્ક આવ્યા હતા. તો 69 વિદ્યાર્થીઓને 650થી વધારે, 155 વિદ્યાર્થીઓને 600થી વધારે અને 241 વિદ્યાર્થીઓને 500થી વધારે માર્કસ આવ્યા હતા.
NTA એ 18 જુલાઈના રોજ NEET કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મળેલી સૂચનાઓને અનુસરીને NEET-UG 2024નું પરિણામ ફરીથી જાહેર કર્યું છે.
પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ વિવાદ સર્જાયો હતો
પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ થતા આ પ્રથમ વખત છે જ્યારે NEET UG કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો અને તમામ ઉમેદવારોના પરિણામો ફરીથી જાહેર કરવામાં આવ્યા. 5મી મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષાનું પરિણામ અગાઉ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 67 ટોપર્સ જાહેર કરવામાં આવ્યા હતા. જેના સંદર્ભમાં ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક થવાનો આક્ષેપ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી, આજે NTA એ પરીક્ષા શહેર અને કેન્દ્ર મુજબ NEET UG પરીક્ષામાં હાજર 23 લાખથી વધુ ઉમેદવારોના પરિણામો જાહેર કર્યા છે.
ઉમેદવારો આ પરિણામ ઓફિશીયલ વેબસાઇટ exams.nta.ac.in/NEET ની પરથી તેમના સુધારેલા સ્કોર કાર્ડને ડાઉનલોડ કરી શકે છે.
પરિણામ આ રીતે ચેક કરો
- પરિણામ જોવા માટે, તમારે સૌથી પહેલા ઓફિશીયલ વેબસાઇટ https://exams.nta.ac.in/NEET/ પર જવાનું રહેશે
- ત્યારબાદ NEET UG 2024 Resultની લિંક પર ક્લિક કરવાનું રહેશે
- તેમાં એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર વડે લૉગિન કરો
- આ રીતે તમને નવું સ્કોર કાર્ડ જોવા મળી જશે.