નીટની પરીક્ષામાં ચોરીનું કૌભાંડ પંચમહાલ પોલીસે 1000 પેજનો અહેવાલ સીબીઆઇને સોંપ્યો
સીબીઆઇની ટીમ સવારથી જ ગોધરામાં: સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે બેઠક બાદ તપાસ હાથમાં લીધી
ગોઘરા: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ સ્કૂલના નીટ પરીક્ષાના કેન્દ્રમાં ઉમેદવારોને પાસ કરાવવાનું કૌભાંડ મે માસના પ્રારંભમાં ઝડપાયા બાદ તેના પડઘા સમગ્ર દેશભરમાં પડયા હતાં. આ કૌભાંડ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પાંચ ભેજાબાજોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કૌભાંડની તપાસ સીબીઆઇને સોંપવાનો નિર્ણય લેવાતા આજે ગોધરા ખાતે પંચમહાલ પોલીસે 1000 પેજનો સમગ્ર તપાસ અહેવાલ સીબીઆઇને સુપરત કરી દીધો હતો.
ગોધરા ખાતે નીટની પરીક્ષામાં ચોરીના કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયા બાદ આજે સવારથી જ સીબીઆઇના પાંચથી વધારે અધિકારીઓ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં અને કેસ સંબંધિત માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં નીટની પરીક્ષામાં પાસ કરાવવાના કેસની તપાસ સીબીઆઇને સોંપવાની કામગીરી ચાલી રહી છે. હવે સમગ્ર કેસ સીબીઆઇ પાસે છે અને તેમને જે મદદની જરૂર પડશે તે અમે કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે નીટ પરીક્ષા કૌભાંડમાં ગોધરા તાલુકા પોલીસ દ્વારા અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં જલારામ હાઇસ્કૂલના આચાર્યનો પણ સમાવેશ થાય છે. આ કૌભાંડના તાર અન્ય રાજ્યો સુધી પહોંચ્યા હતા જેથી વિસ્તૃત તપાસ થઇ શકે તે માટે પંચમહાલના ડીવાયએસપીએ તપાસના દસ્તાવેજો સીબીઆઇને સુપરત કર્યા હતાં. તા.૫મેના રોજ નીટ યુજી-2024ની પરીક્ષા લેવામાં આવી હતી અને તા.8મેના રોજ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે પંચમહાલ પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ ઝડપાયેલા પાંચેય આરોપીઓને હાલ જેલમાં મોકલી દેવાયા છે. આ કેસના કાગળો સ્થાનિક પોલીસ દ્વારા સીબીઆઇને સોંપી દેવાયાની સાથે જ હવે સીબીઆઇ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેમાં અનેક વિગતોનો પર્દાફાશ થાય તેમ મનાય છે.