NEET Paper Leak : મુખ્ય સૂત્રધાર પરશુરામ રોય અને તુષાર ભટ્ટની ઓફિસ અને નિવાસ્થાને CBIના દરોડા
NEET Exam Paper Leak : નીટની પરીક્ષાના પેપરો ફૂટ્યા તેમજ પરીક્ષામાં પાસ કરાવી દેવાનું કૌભાંડ કરનારાએ ગુજરાતના વિવિધ શહેરોમાં ઓફિસો ખોલી ધંધો શરૂ કર્યો હતો. જે અંગેનું કનેક્શન વડોદરા ખાતે પણ હોવાનું બહાર આવતા સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમે આજે બપોર બાદ વડોદરા ખાતે છાણી ટીપી-13 માં આવેલા આરોપીના નિવાસ્થાન અને ત્યારબાદ સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલી ઓફિસ ખાતે દરોડા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે.
નીટની પરીક્ષામાં પાસ કરાવી દેવાનું અને પેપરો લીક કરી વિદ્યાર્થીઓને પહોંચાડી દેવાના ચાલતા કૌભાંડનો થોડા સમય પહેલા પર્દાફાશ થયો હતો. ગોધરા ખાતે થોડા સમય પહેલા CBI ની ટીમે દરોડા પાડ્યા હતા અને જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
નીટ પરીક્ષામાં પાસ કરવાનું અને પેપર લીક કરવાના કૌભાંડમાં વડોદરાનું પણ કનેક્શન બહાર આવ્યું હતું. મુખ્ય આરોપી પરશુરામ રોય અને તુષાર ભટ્ટ વડોદરામાં રહેતા હતા અને સારાભાઈ કમ્પાઉન્ડમાં ઓવરસીઝ કંપની નામની ઓફિસ અને ક્લાસીસ શરૂ કર્યા હતા.
તુષાર ભટ્ટ અને પરશુરામ રોયની તપાસ માટે આજે બપોર બાદ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશનની ટીમે છાણી ટીપી 13 ખાતે પરશુરામ રોયનો સંમસરા એપાર્ટમેન્ટમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી છે. જ્યારે તુષાર ભટ્ટ સમા સાવલી રોડ પર આવેલા રોયલ વિંગ બંગલા નંબર એક ખાતે રહે છે તેની પણ તપાસ હાથ ધરાશે તેમ જાણવા મળે છે.
આજે બપોર બાદ સીબીઆઇની ટીમે દરોડાની શરૂઆત કરી છે. જેમાં સમસારા લક્ઝ્યુરિયસ એપાર્ટમેન્ટ ખાતે કામગીરી ચાલી રહી છે. તે બાદ સારાભાઈ કંપાઉન્ડમાં આવેલી પરશુરામ રોય અને તુષાર ભટ્ટની ઓવરસીઝ કંપની અને તુષાર ભટ્ટના બંગલા ખાતે પણ તપાસ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.