વિશ્વામિત્રી નદી ઊંડી કરતાં પૂર્વે ખાનગી કોન્ટ્રાક્ટર નીલકંઠ ઇન્ફ્રા દ્વારા કાટમાળ ઠાલવી નદીનું વહેણ અટકાવવા પેરવી
Vishwamitri River Project : વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઊંડી કરવા પાછળ રૂપિયા 62 કરોડનો ખર્ચ થવા જઈ રહ્યો છે ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા નજીકમાં બંધાતા સરકારી બિલ્ડીંગનો કાટમાળ વિશ્વામિત્રી નદીના પટમાં ઠાલવવામાં આવી રહ્યો છે જેથી વિવાદ સર્જાયો છે.
વિશ્વામિત્રી નદીમાં સફાઈના નામે મીંડું થયું હતું. ત્યારબાદ તેવી જ રીતે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ બનાવવાના પણ પ્રોજેક્ટ વધુ એકવાર તૈયાર કરવામાં આવ્યો હતો. હવે તો વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પણ લોકોને ભુલાવી દેવાયો છે. જો કે ગત ઓગસ્ટ મહિનાના ચોમાસામાં આવેલા ભયંકર પૂરની યાદ લોકો હજી ભૂલી શક્યા નથી. જેથી સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત શહેરનું હિત જોનારા સૌ કોઈને વધુ એકવાર વિશ્વામિત્રીમાં પૂર આવે નહીં તે માટે નદી ઊંડી કરવાની સલાહ આપી છે જેની કામગીરી શરૂ થાય તે પહેલા જ રૂકમણી ચેનાની પ્રસુતિ ગૃહ સયાજી હોસ્પિટલ સામેની ખુલ્લી જગ્યામાં આ પ્રસુતિ ગૃહનો બીજો ભાગ નીલકંઠ ઇન્ફ્રા.ના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે પરંતુ ચોંકાવનારી વિગત એવી છે કે આ બાંધકામનો તમામ કાટમાળ વિશ્વામિત્રી નદીના કોતરોમાં ઠાલવવામાં આવે છે. પરિણામે વિશ્વામિત્રી નદીના એક તરફનું પાણીનું વહેણ તદ્દન બંધ થઈ જશે. જોકે આવી બાબત પાલિકાના અધિકારીઓ શાસકોની ધ્યાન બહાર હોય કે તેમની મંજૂરી વિના કાટમાલ નંખાતો હોય એવું માનવાને કોઈ કારણ નથી. શું આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવતા નથી અને રોજબરોજનો નીકળતો કાટમાળ વિશ્વામિત્રી નદીના પટમાં જ ઠાલવી દેવામાં આવે છે અગાઉ પણ આ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન નીકળેલી માટીનો જથ્થો પણ નદીના પટમાં ઠાલવી દઈ ઢગલા કરી દેવામાં આવ્યા હતા.
જોકે જાહેર રોડ-રસ્તા પર કોઈ નગરજન કચરો ફેંકે અને તે બાબતની જાણ પાલિકા તંત્રને થાય તો આવા નગરજન સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ વિશ્વામિત્રી નદીના કોતરોમાં કાટમાળ નાખીને વિશ્વામિત્રી નદીનું નિકંદન કાઢી નાખવાની તૈયારીમાં સતત રચ્યા પચ્યા રહેતા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે કે પછી 'તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ'ની જેમ આખું કૌભાંડ કોન્ટ્રાક્ટર સામે માત્ર નામની જ કાર્યવાહી કરીને દબાવી દેવાશે? આવો સવાલ શહેરના જાગૃત નાગરિકો કરી રહ્યા છે. જોકે વિશ્વામિત્રી ઊંડી કરવા અને પહોળી કરવા બાબતે તાજેતરમાં જ રૂપિયા 58 કરોડની જગ્યાએ રૂપિયા 61 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો શું આવા કોન્ટ્રાક્ટરો દ્વારા વિશ્વામિત્રી ના પટ અને કોતરોમાં ઠાલવવામાં આવતો આવો કાટમાળ ખસેડવા માટે જ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે? આમ હવે વિશ્વામિત્રીની ઊંડાઈ અને પહોળાઈ પાછળ નાણા ખર્ચાશે કે પછી માત્ર આવા કોન્ટ્રાક્ટરોના જ કાટમાળ દૂર કરવા પાછળ નાણા ખર્ચા છે તે એક સવાલ ઉભો થયો છે.