ગુજરાતમાં ઓપરેશન લોટસ : ભાજપમાં પંજાવાળાએ 'સદી' ફટકારી, 20 વર્ષમાં 100 નેતાઓનો પક્ષપલટો
કોંગ્રેસીકરણ થયેલી પાર્ટીમાં કોંગ્રેસના ઘણાં નેતાઓ ભ્રષ્ટાચારી
ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત થવા દેવી નહીં તેવા હાઇકમાન્ડના આદેશ પછી પ્રદેશ ભાજપની અનિચ્છા છતાં કોંગ્રેસીઓ લેવાતા જાય છે
ગાંધીનગર, બુધવાર
Gujarat Politics : ગુજરાતની રાજનીતિમાં વિપક્ષ કોંગ્રેસની દશા બેઠી છે. આ પાર્ટીમાંથી પક્ષપલટો કરીને અત્યાર સુધીમાં 100 જેટલા નેતાઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે જેમનો ભાવ પૂછ્યો નહીં અને જેમની કાબેલિયત પર શંકાઓ કરી તેવા નેતાઓ ભાજપમાં ટોચના હોદ્દાઓ પર બેસી ચૂક્યાં છે. વર્તમાન સરકારની કેબિનેટમાં પણ ત્રણ નેતાઓ કેબિનેટ મંત્રી તરીકે કામ કરી રહ્યાં છે.
કોંગ્રેસના નેતાઓએ ભાજપમાં જોડાઈને સદી ફટકારી
કોંગ્રેસના નરહરિ અમીન અત્યારે રાજ્યસભાના સભ્ય છે. બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી છે, આ ત્રણેયને મલાઈદાર ખાતાઓ આપવામાં આવેલા છે. એટલું જ નહીં પાટીદાર આંદોલનમાંથી ઉભા થયેલા બે યુવા નેતાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપમાં ધારાસભ્ય છે. છેલ્લા 20 વર્ષમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય કે પ્રદેશના પૂર્વ નેતાઓએ ભાજપમાં જોડાઈને સદી ફટકારી છે. કોંગ્રેસના નેતાઓને ભલે સંગઠનમાં ટોચનું સ્થાન મળ્યું ન હોય પરંતુ સરકારમાં મહત્વનું સ્થાન જરૂર મળ્યું છે. સત્તાનો પાવર તેઓ મેળવી રહ્યાં છે. કોંગ્રેસમાં સાડઇટ્રેક થયેલા નેતાઓને 2002થી સ્ટેટેજી પૂર્વક ભાજપ ટોચના સ્થાને બેસાડી રહી છે. હાઈકમાન્ડની કોંગ્રેસના ચહેરાઓને સમમદંડ અને ભેદઅજમાવી પ્રદેશના નેતાઓ અનિચ્છાએ ભાજપમાં ભેળવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપને 26માંથી 26 બેઠકોની હેટ્રીક કરવા માટે ચૂંટણી જીતી શકે અથવા જીતાડી શકે તેવા કોંગ્રેસના મજબૂત ચહેરાઓની જરૂર હોવાથી ગુજરાતમાં ઓપરેશન લોટસ શરૂ થયું છે.
2002થી 2017 સુધી કોંગ્રેસના 80 જેટલા મોટા માર્થાઓ ભાજપમાં ગયા
કોંગ્રેસના સંગઠનમાં ત્રણ દસકા કરતાં વધુ સમયથી કામ કરતા નેતાઓ પણ આશ્ચર્ય સાથે ભાજપમાં જોડાયા છે. એવા નેતાઓમાં નરહરિ અમીન, ઉદેસિંહ બારિયા, લીલાધર વાઘેલા, દલસુખ પ્રજાપતિ, નિમા આચાર્ય, જ્યંતિલાલ પરમાર, જવાહર ચાવડા, સુભાષ શેલત, ઉર્વશી દેવી મોહનસિંહ રાઠવા, વિઠ્ઠલ રાદડિયા અને જયરાજસિંહ જાડેજાનું નામ આવે છે. પ્રદેશ કોંગ્રેસને રાજકીય ઈતિહાસ જોઈએ તો 2002થી 2017 સુધી કોંગ્રેસના 80 જેટલા મોટા માર્થાઓ ભાજપમાં ગયા છે. જ્યારે 2017 થી 2022 સુધીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા 20 પૈકી 12 પૂર્વ ધારાસભ્યોને ભાજપે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ આપી હતી પરંતુ તે પૈકી નવ ધારાસભ્ય બની શક્યાં છે.
ભાજપે 2022ની ચૂંટણીમાં 156 બેઠકો મેળવી હતી
કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પક્ષપલટો કરાવીને ભાજપે 2022ની ચૂંટણીમાં 156 બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠકો આવી હતી. છેલ્લા 62 વર્ષમાં આટલો બધો નબળો દેખાવ કોંગ્રેસે ક્યારેય કર્યો નથી. હવે કોંગ્રેસ ફરીથી તૂટી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલાં ઓપરેશન લોટસમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ફસાયા છે. તેમનું નિવેદન જો સાચુ પડે તો ચૂંટણી આવતાં પહેલાં કોંગ્રેસના બીજા પાંચથી સાત ધારાસભ્યો પક્ષપલટો કરે તો નવાઈ પામવા જેવું નથી. મહત્વનું છે કે કોંગ્રેસના એક ડઝન જેટલા એવા નેતાઓ ભાજપમાં ગયા છે કે જેમની સામે ચૂંટણી સમયે ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ભ્રષ્ટાચારના આરોપ પણ મૂક્યા હતા. આજે તેઓ દુધે ધોયેલા થઈ ગયા છે.