ઉધના નજીક ચાલુ તાપ્તી ગંગા ટ્રેનમાં ચઢી જઇ લૂંટ કરનાર એક લૂંટારૂ ઝબ્બે
- મુસાફરોને માર મારી રોકડ અને મોબાઇલની લૂંટ કરી હતીઃ જે તે વખતે આરપીએફે એકને ઝડપી પાડયો હતો
સુરત
ઉધના સ્ટેશન પાસે ધીમી પડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ચઢી જઇ મુસાફરોને માર મારી લૂંટ કરનાર ચાર જણાની લૂંટારૂ ટોળકી પૈકીના એકને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી રેલવે પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલો લૂંટારૂ રીઢો અને 8થી વધુ ગુના નોંધાયેલા છે.
સુરત ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે રીઢા ગુનેગાર ઉધના મેઇન રોડ રોકડીયા હનુમાન મંદિર પાસેથી નાસીરખાન ઉર્ફે પંપ ઇકબાલખાન પઠાણ (રહે. મીઠીખાડી, લિંબાયત) ને ઝડપી પાડી તેની પાસેથી લૂંટના ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ. 30 હજારના કબ્જે લીધા હતા. ઉલ્લેખનીય છે કે ગત તા. 23 ઓક્ટોબરના રોજ વતનથી તાપ્તી ગંગા ટ્રેન ઉધના રેલવે સ્ટેશન પાસે ધીમી પડતા ચાલુ ટ્રેનમાં ચાર લૂંટારૂ ચઢી ગયા હતા. આ લૂંટારૂઓએ ડી 1 કોચમાં મુસાફરી કરી રહેલા દિલીપ શ્રીભોલા સીંગ ,ઓમપ્રકાશ પ્રસાદ, સત્યકુમાર પાલ અને વિનોદકુમાર પટેલને માર મારી રોકડ અને ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ. 35,400 નો મુદ્દામાલ લૂંટી લીધો હતો. ચાલુ ટ્રેનમાં લૂંટારૂઓએ લૂંટ કરતા થયેલી બુમાબુમને પગલે દોડી આવેલા આરપીએફના જવાનોએ ચાર પૈકી એક લૂંટારૂ અરબાઝ ઇકબાલ શેખને ઝડપી પાડયો હતો.
જયારે સદ્દામ ઉર્ફે મૌલાના અને નાસીરખાન સહિત ત્રણ ભાગી ગયા હતા. જે પૈકી નાસીરખાનને આજે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે નાસીરખાન વિરૂધ્ધ લિંબાયત, સલાબતુરા, સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં મારમારી, લૂંટ અને ચોરી જેવા 8થી વધુ ગુના નોંધાયેલા છે.