કુવાડવા નજીક 5 સંતાનોનાં પિતાએ 12 વર્ષની બાળા સાથે ઝેરી દવા પી લીધી

Updated: May 16th, 2024


Google NewsGoogle News
કુવાડવા નજીક 5 સંતાનોનાં પિતાએ 12 વર્ષની બાળા સાથે ઝેરી દવા પી લીધી 1 - image


તબીબી પરીક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ વધુ પોલીસ કાર્યવાહી : ચોટીલાથી ગુમ થયેલી બાળાને મોબાઇલ ફોનના આધારે લોકેશન શોધી તપાસ કરતા ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવીઃ ચકચાર

ચોટીલા : કુવાડવા રોડ પર નવાગામ સાત હનુમાન પાસે ધમલપર ગામે રહેતાં પાંચ સંતાનના પિતા એવા 47 વર્ષના દેવીપૂજક શખ્સ અને ચોટીલા રહેતી 12 વર્ષની બાળા ગઇકાલે સાત હનુમાન ચોકડી નજીક સજોડે ઝેરી દવા પી જતાં સારવાર માટે દાખલ કરાયા છે. ચોટીલાથી બાળા ગૂમ થઇ હોઇ ચોટીલા પોલીસ મોબાઇલ ફોનના લોકેશનને આધારે તેણીને શોધતી-શોધતી રાજકોટ તરફ આવી ત્યારે બાળા અને તેની સાથેનો શખ્સ ઝેરી દવા પીધેલા મળતાં પોલીસ ચોંકી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ ધમલપર રહેતો દિનેશ જકશીભાઇ સાડમીયા (ઉ.વ. 47) અને તેની સાથેની 12 વર્ષની બાળા સાત હનુમાન ચોકડી નજીક ઝેર પી જતાં સારવારમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ, તોૈફિકભાઇ સહિતે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. આ બંનેને સારવાર માટે ચોટીલા પોલીસ મથકના કર્મચારી અરવિંદભાઇ લાવ્યા હતાં. પોલીસે જણાયું હતું કે બાળા ચોટીલાથી ગૂમ થઇ હોઇ તેના વાલીએ પોલીસને જાણ કરતાં અમે મોબાઇલ ફોન ટ્રેસ કરી લોકેશનને આધારે સાત હનુમાન પાસે આવ્યા ત્યારે આ બાળા અને સાથેનો દિનેશ ઝેર પીધેલી હાલતમાં મળતાં અમે હોસ્પિટલે ખસેડયા હતાં.

હોસ્પિટલના બિછાનેથી દિનેશ સાડમીયાએ કહ્યું હતું કે-હું ખેત મજૂરી કરવા સાથે રિક્ષા હંકારૂ છું. મારે ત્રણ દિકરી અને બે દિકરા છે. જે બાળાએ મારી સાથે ઝેર પીધુ છે એ બાળા મારા કુટુંબી ભાઇની આગલા ઘરની દિકરી છે. તેનું સગપણ મારા દિકરા સાથે નક્કી કર્યુ છે. આ બાળા ગઇકાલે પોતાની જાતે ઘરેથી નીકળી ગઇ હતી અને ધમલપર મારી પાસે આવી હતી. એ પછી બાળાના પિતાએ મને ફોન કરી અમારી દિકરીને તું ભગાડી ગયો છો, જો એ નહિ મળે તો તને મારી નાંખીશ તેવી ધમકી દઇ મારા પર ખોટી શંકા કરતાં મને માઠુ લાગતાં મેં ઝેર પી લીધુ હતું. એ પછી બાળા પણ પી ગઇ હતી. 

બાળાને ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી છે અને તબિબી પરિક્ષણનો રિપોર્ટ પોલીસે કરાવ્યો છે. આ કિસ્સામાં ખરેખર શું બન્યું? શા માટે બાળા ઘરેથી નીકળી ગઇ? દિનેશ પાસે કઇ રીતે પહોંચી? તે સહિતની તપાસ ચોટીલા પોલીસ હાથ ધરે તેવી શક્યતા છે સૂત્રો માંથી જાણવા મલ્યા મુજબ સમગ્ર મામલે ચોટીલા પોલીસ રાજકોટ ખાતે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે 


Google NewsGoogle News