બોરસદ પાસે યુવકે વાગ્દત્તાના પ્રેમીની ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી
- યુવતીએ સમગ્ર બનાવ વર્ણવતા હત્યા નિપજાવનારા યુવકની ધરપકડ
- યુવક અને પ્રેમી વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો : ચપ્પુ માર્યા બાદ યુવક પ્રેમીને હોસ્પિટલ લઈ ગયો, મૃત જાહેર કરતા યુવક સહિતના 3 શખ્સો ફરાર
બોરસદના તોરણાવ માતા સીમમાં રહેતા વિશાલ ઉર્ફે બક્કી જયંતીભાઈ પરમારની નર્સ તરીકે કામ કરતી યુવતી સાથે સગાઈ થઈ હતી. જોકે, આ યુવતીને છેલ્લા કેટલાક મહિનાઓથી ગોરેલ ગામે રેલવે ફાટક નજીક આવેલા ખેતરમાં રહેતા કમલેશ ઉર્ફે કમો ઉર્ફે ભૂરો કાંતિભાઈ ઠાકોર સાથે પ્રેમસંબંધ હતો. આ અંગે વિશાલને જાણ થતાં તેણે કમલેશને આ પ્રેમસંબંધ પર વિરામ મૂકવા જણાવ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી.
ગત રવિવારે બોરસદના તારાપુર હાઈવે પર આવેલા પાર્ટીપ્લોટમાં એક લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં કમલેશ, વિશાલ અને વિશાલની વાગ્દત્તાને પણ હાજરી આપવાની હતી. વિશાલે યુવતીને ફોન કરી લગ્નમાં સાથે જવાનું જણાવ્યું હતું પરંતુ યુવતીએ નંબર બ્લોક કરી દીધો હતો.
રાત્રે વિશાલે યુવતીનો સંપર્ક કરતા તેણીએ, હું ટુવ્હીલર પર ઘરે જાઉં છું તેમ કહ્યું હતું. જોકે, વિશાલને શંકા જતાં તે યુવતીની પાછળ ગયો હતો અને હાઈવે પર આવેલી એક હોસ્પિટલ નજીક યુવતીને ઉભી રાખી હતી. ત્યારે પાછળથી કમલેશ ઉર્ફે કમો ત્યાં આવી પહોંચતા બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો.
ઉશ્કેરાયેલા વિશાલે ચપ્પુ કાઢીને પ્રેમી કમલેશને ગળા અને શરીરના અન્ય ભાગોએ ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેથી કમલેશ લોહી લુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ફસડાઈ પડયો હતો. જ્યારે યુવતી પણ બેભાન હાલતમાં ઢળી પડી હતી. જેથી વિશાલે પોતાના ભાઈને જાણ કરતા તે અન્ય એક મિત્ર સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કમલેશને ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે, તેની હાલત ગંભીર હોવાથી અન્ય હોસ્પિટલમાં ખસેડતી વખતે પ્રેમી કમલેશનું મોત નિપજ્યું હતું. જેથી વિશાલ, તેનો ભાઈ અને મિત્ર ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં પેટલાદ ડીવાયએસપી, બોરસદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો મેળવી પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તેમજ ભાનમાં આવેલી યુવતીની પુછપરછ કરતા તેણીએ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું. બોરસદ પોલીસે વિશાલ પરમારને બોરસદથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.