ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો! રિવાબા અને નયનાબા વચ્ચે રામ મંદિરને લઈને શાબ્દિક પ્રહાર
અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરાયો હતો
Naynaba Vs Rivaba: અયોદ્યા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવાના આમંત્રણનો કોંગ્રેસે અસ્વિકાર કર્યો છે. આ મુદ્દે જામનગરથી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી.જેને લઈને તેમના નણંદ નયનાબા જાડેજાએ રિવાબાનું નામ લીધા વિના પલટવાર કર્યો હતો.
ભગવાન રામની વાત આવે છે તો કોઈ રાજનીતિ ન થવી જોઈએ: રિવાબા જાડેજા
કોંગ્રેસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વિકાર કરતા ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે,'જ્યારે ભગવાન રામની વાત આવે છે તો કોઈ રાજનીતિ ન થવી જોઈએ. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. આ ભગવાન શ્રીરામ અને કરોડો ભારતીયોની આસ્થાનો અવસર છે. રાજનીતિથી ઉપર ઊઠીને ઈશ્વરને પ્રાર્થના કરો અને પ્રભુ શ્રીરામ તમારા બધાનું સ્વાગત કરે.
સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભા આપતી નથી: નયનાબા
રિવાબા જાડેજાના નિવેદન પર તેમના નણંદ નયનાબાએ નામ લીધા વિના પ્રહારો કર્યા હતા. નયનાબાએ કહ્યું કે, અમારે તમારી પાસે ભક્તિ અને સંસ્કાર શીખવાની જરૂર નથી. તમે નાની કાશીમાં રહો છો, પરંતુ તમારામાં સંસ્કાર નથી. જ્યારે મંદિર પૂરું થઈ જશે તો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. શંકરાચાર્ય અને અન્ય લોકોએ બહિષ્કાર કર્યો છે. સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભા આપતી નથી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કરાયો છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના કોઈપણ નેતા સામેલ નહીં થાય.