Get The App

ગ્લોબલ વોર્મિંગે ચિંતા વધારી: નવસારીમાં 1 અઠવાડિયામાં દરિયો ગળી ગયો 10 ફૂટ જમીન, ગ્રામજનોમાં ફફડાટ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ગ્લોબલ વોર્મિંગે ચિંતા વધારી: નવસારીમાં 1 અઠવાડિયામાં દરિયો ગળી ગયો 10 ફૂટ જમીન, ગ્રામજનોમાં ફફડાટ 1 - image


Ubhrat Beach Navsari :  નવસારીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની સરકારની મોટી જાહેરાત વચ્ચે છેલ્લા એક અઠવાડિયામાં જલાલપોર તાલુકાના ઉભરાટ દરિયા કિનારાની દસ ફૂટ જમીન  દરિયાના તોફાની મોજા અને મોટી ભરતી સમુદ્રમાં ગરક થઈ જતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  ગ્રામજનો દ્વારા વર્ષોથી ઉભરાટમાં દરિયા કિનારે 2 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વૉલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે તેમની માંગ સંતોષવામાં ન આવતા છેલ્લા 5 વર્ષમાં દરિયા કિનારાની 500 મીટર જમીન દરિયો ગળી ગયો હોવાથી ગ્રામજને દહેશત છે કે ક્યાં ઉભરાટ ગામ દરિયામાં ન ગરકાવ જાય.  

ઉભરાટના વિકાસ માટે ગુજરાત સરકારની માત્ર મસમોટી જાહેરાતો

ગુજરાત સરકાર દ્વારા નવસારીના દરિયાઈ પ્રવાસન સ્થળ તરીકે ઉભરાટ ગામને વિકસાવવા માટે વર્ષો અગાઉ મસમોટી જાહેરાત કરવામાં આવી હતી. જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારના જાણીતા ઉભરાટ ગામના દરિયા કિનારાને પ્રવાસન સ્થળ તરીકે પાયાની સુવિધાઓ સાથે વિકસાવવા માટે સરકાર દ્વારા જાહેરાત થતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગતી વ્યાપી ગઈ હતી.

અંદાજે 2000ની વસ્તી ધરાવતા ઉભરાટ ગામમાં પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓ સાથે ઉભરાટ દરિયા કિનારાને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેની જાહેરાતો કરતાં ગ્રામજનોમાં આનંદ વ્યાપી ગયો હતો. અને મોદી સરકારને ઉભરાટ ગ્રામના પ્રજાજનોએ ખોબેખોબા ભરીને મતો આપી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા લોકસભામાં ભાજપને મતો આપી મોદી સરકારને મજબૂત બનાવી હતી. 

પરંતુ સરકારની આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી હોઇ તેમ ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ દરિયાઈ સપાટીમાં ચિંતાજનક રીતે થઈ રહેલો વધારો વચ્ચે છેલ્લા પાંચ સાત વર્ષમાં દરિયાના તોફાની મોજા અને મોટી ભરતીની જોરદાર થપાટ વચ્ચે અંદાજે 500 મીટર જમીન દરિયામાં સમાય ગઈ છે. એટલું જ નહીં, દરિયામાં ઉભરાટ ગામની સ્મશાનભૂમિ ધોવાય જતા ગામના રહીશોના અસ્થિઓ બહાર નીકળી દરિયામાં વહી જતાં લોકોમાં ભારે રોષ જોવા મળે છે. 

ગ્લોબલ વોર્મિંગે ચિંતા વધારી: નવસારીમાં 1 અઠવાડિયામાં દરિયો ગળી ગયો 10 ફૂટ જમીન, ગ્રામજનોમાં ફફડાટ 2 - image

રજૂઆતો કરવા છતાં ઉભરાટ અને દાતી ગામે પ્રોટેક્શન વૉલ નહીં બનાવતા રોષ

જેઠ અને અષાઢ મહિનાની મોટી ભરતી અને દરિયાના તોફાની મોજાથી ઉભરાટ અને દાંતી ગામના દરિયા કિનારાનું ધોવાણથી ગ્રામજનોના જીવ પડીકે બંધાયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ઉભરાટ અને દાતી ગામે દરિયાઈ પ્રોટેક્શન વૉલ નહિ બનાવવામાં આવતા ગામ નજીક ના ભવિષ્યમાં દરિયામાં સમાય જવાની ભીતિ સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

છેલ્લા એક સપ્તાહમાં દરિયાની મોટી ભરતી અને તોફાની મોજાની ઝપેટમાં અંદાજે 10 ફૂટ જેટલા કિનારાનું ધોવાણ થતાં દરિયો 10 ફૂટ ગામ વસાહત સુધી આગળ ધસી આવતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. અને ચોમાસામાં મોટી ભરતી અને તોફાની મોજા હાઈ ટાઇડની ભીતિથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પ્રોટેક્શન વૉલની માંગણી વધુ ઉગ્ર બની છે. 

એટલું જ નહીં, ઉભરાટના પૂર્વ સરપંચ અને હાલમાં જલાલપોર તાલુકા પંચાયતના ભાજપના બોરસી બેઠકના સભ્ય નિલેશભાઇ રમણભાઈ પટેલ દ્વારા ઉભરાટ ગામના દરિયા કિનારે 2 કિલોમીટર લાંબી દરિયાઈ પ્રોટેક્શન વૉલ બનવવામાં આવે તેવો ગ્રામજનો સાથે મળી વારંવાર લેખિત મોખીક જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી હતી. 

પરંતુ આજ દિન સુધીમાં કોઈ પ્રોટેક્શન વૉલ નહિ બનાવવામાં આવતા હાલ છેલ્લા એક સપ્તાહમાં જ દરિયો 10 ફૂટ ગામ તરફ આગળ વધતા લોકોના જીવ પડીકે બંધાયા છે. ત્યારે નવસારી જિલ્લા કલેક્ટર, જિલ્લા ડ્રેનેજ વિભાગ અને રાજ્ય સરકાર ઉભરાટ ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પેહલા પ્રોટેક્શન વૉલ બનાવી ગામજનોને ભય મુક્ત કરે તેવી માંગણી ઉઠી છે.


Google NewsGoogle News