Get The App

એક દિવસમાં ત્રણ કોંગ્રેસ નેતાના રાજીનામાં, હવે કોળી આગેવાન ધર્મેશ પટેલે 'પંજા' સાથે છેડો ફાડ્યો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
એક દિવસમાં ત્રણ કોંગ્રેસ નેતાના રાજીનામાં, હવે કોળી આગેવાન ધર્મેશ પટેલે 'પંજા' સાથે છેડો ફાડ્યો 1 - image


Gujarat Politics : ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટ્સ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરી રહ્યું છે. આજે (સોમવાર) એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ દિગ્ગજોએ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા છે. આજે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બાદ હવે નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાંનો દોર શરૂ થયો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા નેતાઓભાજપમાં જોડાઈ તેવી સંભાવનાઓ છે.

કોળી આગેવાન ધર્મેશ પટેલે આપ્યું રાજીનામું

નવસારી જિલ્લાના કોગ્રેસના અગ્રણી અને કોળી આગેવાન ધર્મેશ પટેલે પણ કોગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ આવતીકાલે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, ધર્મેશ પટેલ ગત લોકસભાની ચૂંટણી સી.આર.પાટીલની સામે લડ્યા હતા અને હાર્યા હતા. ધર્મેશ પટેલે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ધર્મેશ પટેલ વિજલપોર નગર પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ સાથે 40 વર્ષ જૂનો છેડો ફાડ્યો

અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાત વિધાનસભા પહોંચીને સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સુપરત કર્યું હતું. અર્જુન મોઢવાડિયાએ એક્સ પરથી કોંગ્રેસનું પ્રતીક હટાવી દીધું છે. રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, 'મેં કોઈના દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. ઘણાં સમયથી હું કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યો હતો. રામ મંદિર વિવાદનો ઉકેલ બંધારણીય રીતે આવ્યો હોવા છતાં કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો, જે અયોગ્ય હતું. હવે મારે નહીં કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે.'

અંબરીશ ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું, કાલે ભાજપમાં જોડાશે

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા તેમણે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, 'પક્ષ વિરોધી ગતિવિધિ બદલ અંબરીશ ડેરને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે.' જો કે એ પહેલા અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, અંબરીશ ડેર તેમના કાર્યકરો સાથે પાંચમી માર્ચે, મંગળવારે બપોરે 12 વાગ્યે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. આ દરમિયાન રાજુલા અને જાફરાબાદમાં પણ ભાજપમાં જોડાવાના કાર્યક્રમો યોજાશે. 

અંબરીશ ડેરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમણે પત્રમાં લખ્યું છે કે, 'હું કોંગ્રેસ પક્ષના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અન્ય તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. ભૂતકાળમાં મેં કોંગ્રેસના બેનર હેઠળ જીત મેળવીને લોકોની સેવા કરી છે. મને સહયોગ આપવા બદલ હું કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. મહેરબાની કરીને મારા રાજીનામાનો સ્વીકાર કરશો. હું હોદ્દા માટે કોઈ પક્ષમાં નથી જોડાઈ રહ્યો. ખાસ કરીને મને કોંગ્રેસના રામ મંદિર અંગેના વલણથી દુઃખ છે. મેં ભાજપમાં જોડાવા માટે કોઈ ડીલ નથી કરી.'



Google NewsGoogle News