નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ને.હા 48 પર બોરીયાચ ટોલ ટેક્સ પર ભાવ વધારાનો વિરોધ
Navsari : નવસારીને અડીને પસાર થતા ને.હા.નં 48 પર ત્રણ દિવસ અગાઉ ટોલ ટેક્સમાં તોતિંગ 75 ટકા જેટલો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. જેના વિરોધમાં ધી નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી બોરીયાચ ટોલટેક્સની સમય અવધિ વર્ષ 2022 માં પૂરી થઈ ગઈ હોય ટોલટેક્સ નાકું ઉઠાવી લેવા અને ચોમસમાં ઘણા સમયથી અત્યંત બિસ્માર બનેલા હાઇવે રસ્તા બનાવવાની માંગણી કરી હતી.
ધી નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેન્દ્રભાઈ દેરાસરિયા અને મત્રી જીતેન્દ્રભાઈ પંસારા દ્વારા તાજેતરમાં નવસારીના ને.હા નં 48 પર બોરીયાચ ટોલટેક્સ પર 75 ઠકા ભાવ વધારાનો વિરોધમાં જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા બોરિયાચ ટોલટેક્સ નાકું પર ટોલ ટેક્સ વસૂલવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી સમય અવધિ વર્ષ 2022 માં પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં બોરીયાચ ટોલનાકાના ઇજારદાર સંચાલક કંપની દ્વારા વાહન ચાલકો પાસેથી સતત ટોલટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. વધુમાં આવેદનમાં જણાવ્યા મુજબ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાંથી પસાર થતાં નેહા નં-47 પર નવસારી જિલ્લામાં થયેલ અતી ભારે વરસાદને કારણે ઠેર-ઠેર રસ્તા પર ખાડાઓ પડવાથી હાઇવે બિસ્માર હાલતમાં છે. આ હાઇવે પર રોજીના લાખો વાહનચાલકો અવર જવર કરતા હોય બોરિયાચ ટોલનાકે એક સાથે તાત્કાલિક અસરથી 75 ટકા જેટલો ટોલ ટેક્સ વધારો ઝીંકી દઈ વાહન ચાલકો પાસેથી વસૂલવાનું ચાલુ કરી દેવામાં આવેલ છે. તેમ જણાવી આ તોતિંગ અને કસમયના અસહ્ય વધારાથી એની સીધી વિપરીત અસર વેપાર ધંધા પર પડે તેમ છે. જેનો અમો ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ સખત વિરોધ દર્શાવીએ છે.
અને આ અસહ્ય ટોલ ટેક્સ વધારાની માઠી અસર થાય તેમ હોઇ આ સંજોગોમાં ટોલ ટેક્સનો અવ્યવહારુ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવા અને યુધ્ધના ધોરણે તાત્કાલિક બિસ્માર હાઈ-વેના રસ્તા બનાવવાની માંગણી કરી હતી. અને જો તંત્ર દ્વારા વિલંબ કરી તેમ નહિ થાય તો સ્થાનિક રાજકીય પદાધિકારીઓની આગેવાનીમાં વાહન ચાલકોના હિતમાં ટોલટેક્સનો બહિષ્કાર કરી રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે. આ દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના બને તેની સંપૂર્ણ જવાબદારી હાઇવે ઓથોરિટી અને પદાધિકારીઓની રહેશે તેમ જણાવી મીડિયા સમક્ષ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેન્દ્રભાઈ દેરાસરિયાએ આ ટોલટેક્સ બૂથની સરકારે આપેલી સમય અવધિ વર્ષ 2022 માં જ પૂરી થઈ ગઈ હોય તેમ જણાવી ટોલટેક્સ બુથ નાબૂદ કરવા માંગણી કરી હતી.