ફાઈવસ્ટાર રેટીંગ મેળવીને નવસારી કૃષિ યુનિવર્સિટીએ સમગ્ર રાજ્યમાં વગાડ્યો ડંકો
Image: Wikipedia
ગત તા.1 મે, 2004ના રોજ એક અલગ યુનિવર્સિટી તરીકે માન્યતા મેળવીને સ્વતંત્ર રાજ્ય કૃષિ યુનિવર્સિટી તરીકે આગળ વધેલા નવસારી કૃષિ યુનિવર્સિટીએ આજરોજ જાહેર કરાયેલા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટયુશનલ રેન્કીંગ ફ્રેમવર્ક GSIRF રેન્કીંગમાં "ફાઈવસ્ટાર" રેટીંગ મેળવીને ડંકો વગાડ્યો છે. 1965 થી એકમાત્ર કૃષિ કોલેજથી શરૂઆત કરી અત્યારે કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલના સબળ અને પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ દેશની અગ્રીમ પંક્તિની કૃષિ યુનિવર્સિટી બનવાની સફરમાં યુનિવર્સિટીએ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ પ્રવૃત્તિઓ, પાકોની નવી જાતો, પેટન્ટસ, સંશોધનની એરણે ચકાસેલ ખેડૂતલક્ષી ભલામણો, નીતનવીન કૃષિ તકનીકી વગેરેમાં કાઠું કાઢ્યું છે.
ઇન્ડિયન કાઉન્સીલ ફોર એગ્રીકલ્ચરલ રીસર્ચ - ICAR, નવી દિલ્હી દ્વારા એક્રેડિટેડ કરાયેલ આ યુનિવર્સિટીની 8 ડીગ્રી કોલેજો અને 6 પોલીટેકનીકસ ખાતે એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર, ફોરેસ્ટ્રી, એગ્રીબીઝ્નેસ મેનેજમેન્ટ, બાયોટેકનોલોજી અને એગ્રીકલ્ચરલ એન્જીનીયરીંગ વિદ્યાશાખામાં વૈશ્વિકકક્ષાનું ગુણવત્તાસભર શિક્ષણ અપાઈ રહ્યું છે. ૨૫ રીસર્ચ સેન્ટર્સ દ્વારા સતત કૃષિલક્ષી સંશોધન કરીને નવીનતમ ટેકનોલોજીસ વિકસાવાઈ રહી છે જેને યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના ખેડૂતો સુધી પહોંચાડીને કૃષિવિકાસ દરને ઉન્નત સ્તરે રાખવામાં સિંહફાળો અપાઈ રહ્યો છે. અત્યારસુધી વિવિધ પાકોનું વધુ ઉત્પાદન આપતી 105 જેટલી સુધારેલ જાતો અને 700 જેટલી કૃષિ તકનીકીઓ વિકસિત કરીને યુનિવર્સિટીએ કૃષિક્ષેત્રને વેગવંતુ બનાવ્યું છે. યુનિવર્સિટી પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલીંગ સેલના નેજા હેઠળ સઘન તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને કોર્પોરેટ જગત માટે પ્રોફેશનલી તૈયાર કરાયા બાદ, 800 જેટલા કેમ્પસ ઈન્ટરવ્યુ દ્વારા 2000 જેટલા વિદ્યાર્થીઓને આકર્ષક પગાર સાથે ઘરઆંગણેથી નોકરી અપાવી છે.
આમ, વિવિધ સ્તરે ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહેલ આ યુનિવર્સિટીએ આજરોજ જાહેર કરાયેલા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટયુશનલ રેન્કીંગ ફ્રેમવર્ક - GSIRF રેન્કીંગના ચાર કડક પારદર્શી મૂલ્યાંકન માપદંડોમાં સમગ્ર રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં આઠમું સ્થાન અને રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટી ઓમાં પ્રથમ સ્થાન અંકિત કર્યું છે.
"મેન ઓફ ફ્રુટ ફ્લાય” તરીકે જગવિખ્યાત સક્ષમ કૃષિ વૈજ્ઞાનિક એવા કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલે પ્રતિષ્ઠિત રેન્કીંગમાં સીમાચિન્હ રૂપ "ફાઈવસ્ટાર રેટીંગ મેળવવાની આ ઐતિહાસિક સિધ્ધીનો શ્રેય પોતાના સમર્પિત સ્ટાફ, તેજસ્વી વિદ્યાર્થીઓ અને ખેડૂત આલમે યુનિવર્સિટીમાં મુકેલા વિશ્વાસને આપ્યો હતો.
આ સાથે તેઓએ ખેડૂત મિત્રો અને વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને આગામી દિવસોમાં સહિયારા પ્રયાસોથી યુનિવર્સિટીને વધુ ઉન્નત સ્તરે લઇ જવાની આશા વ્યક્ત કરી હતી.