નવરાત્રીનો તહેવાર મંદિર નજીકના દુકાનદારો માટે સંજીવની બન્યો : અનેક નાના વેપારીઓને થઈ રહી છે આવક
Surat Navratri : સુરતમાં 3જી ઓક્ટોબરથી શરુ થયેલો નવરાત્રીનો તહેવાર મંદિરની આસપાસના વેપારીઓ માટે સંજીવની સાબિત થઈ રહ્યો છે. નવરાત્રી દરમિયાન સુરતીઓ વધુ ધાર્મિક બને છે અને માતાજીની આરાધના કરે છે તેના કારણે મંદિરની આસપાસના વેપારીઓની મંદી ઓછી થઈ આવક વધી રહી છે. બેથી અઢી મહિનામાં જેટલી પૂજાની સામગ્રીનું વેચાણ થાય છે તે આ નવ દિવસમાં જ થઈ જતું હોવાથી વેપારીઓ ખુશ થઈ રહ્યાં છે.
શ્રાવણ મહિના સાથે જ શરુ થતાં હિન્દુઓના તહેવારો ભારતના અર્થતંત્રને જીવંત રાખવા માટેનું પ્રતીક બની રહ્યાં છે. શ્રાવણ માસથી હિન્દુઓના તહેવારો શરૂ થતાં જ લોકોમાં ધાર્મિક વૃત્તિ વધે છે તેથી શ્રાવણ માસ થી દિવાળી સુધીના તહેવાર વેપારીઓ માટે આર્શિવાદ સમાન સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી માર્કેટમાં મંદીની બુમ સાંભળવા મળતી હતી, પરંતુ શ્રાવણ માસની શરૂઆત સાથે જ ધીમે-ધીમે મંદીનો માહોલ ઓછો થઈ રહ્યો છે. તેમાં પણ મંદિર કે ધાર્મિકતા સાથે સંકળાયેલા વેપારમાં આ દિવસોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવરાત્રી પહેલા દિવડા અને માતાજીની માટલી ( ગરબી) બનાવતા નાના વેપારીઓના ધંધા માં પ્રાણ ફુંકાયા હતા અને તેમને રોજીરોટી મેળવી હતી. ઉપરાંત હાલ શરૂ થયેલી નવરાત્રી માતાજીના મંદિરની આસપાસ ના વેપારીઓ માટે રાહતના સમાચાર લાવી છે. પહેલા નવરાત્રી થી જ માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે. માતાજીના દર્શન માટે જતાં ભક્તો માતાજીની પૂજા માટે શ્રીફળ ફુલ, હાર, કંકુ પ્રસાદ અને માતાજીના શણગાર લઈને મંદિરે જાય છે. નવરાત્રી દરમિયાન માતાજી ના મંદિરે આવનારા ભક્તોની ભીડ વધુ હોય છે તેથી મંદિર નજીકના દુકાનદારોને સારો એવો વકરો થઈ રહ્યો છે
શહેરમાં માતાજીના મંદિરની નજીક ફુલ- પ્રસાદી અને ચુંડળીનું વેચાણ કરતા વેપારી કહે છે, શ્રાવણ મહિના પહેલાં અમારા ધંધામાં કોઈ ખાસ ઘરાકી રહેતી નથી રવિવારે જાહેર રજાના દિવસે મંદિરોમાં ભક્તો આવતા હોય છે. પરંતુ હાલ નવરાત્રી શરૂ થઈ છે ત્યારથી સુરતમાં માતાજીના મંદિરમાં ભક્તોનો મેળો જામતો હોય તેવો માહોલ છે.
સુરતમાં મંદિરની નજીક પ્રસાદી, પેંડા કે શણગાર સાથે અન્ય વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ કહે છે બેથી અઢી મહિનામાં જેટલું વેચાણ થતું હોય તેટલું વેચાણ આ નવ દિવસમાં થઈ જાય છે તેથી મંદી માં ફસાયેલા નાના વેપારીઓ માટે આ તહેવાર માતાજી ના આર્શીવાદ થી ઓછો નથી કહેવાતો.
આ ઉપરાંત આ નવરાત્રી દરમિયાન માતાજી ના ફોટા, તાંબા પિત્તળના વાસણો અને ચુંદડી અને સાડીનું પણ વેચાણ વધી જાય છે. આમ માતાજીના મંદિરની આસપાસ જે લોકો ધાર્મિક વસ્તુ નો ધંધો કરે છે તેઓને પણ સારો ધંધો થઈ રહ્યો છે. માતાજીને ચઢાવવા માટે બંગડી-સાડી સહિત નો શણગાર સામાનનું વેચાણ પણ વધી રહ્યું છે. આમ માતાજીના મંદિરની આસપાસ ના વેપારીઓ માટે નવરાત્રી શુકનિયાળ બની જાય છે તેમની આ ઘરાકી દિવાળી સુધી રહેતી હોવાથી નાના ધંધાને જીવતદાન મળી રહ્યું છે.