જામનગરના મરિન નેશનલ પાર્ક હેઠળના ટાપુઓ પર ફરી દબાણ ઊભા ન થાય તે માટે પ્રકૃતિ પ્રેમીઓની તંત્રને રજૂઆત
Jamnagar : ગુજરાત સરકાર દ્વારા મરીન નેશનલ પાર્કના કેટલાક ટાપુઓ પર દૂર કરાયેલાં ગેરકાયદેસર દબાણો ફરીથી ઊભા ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા બાબતે જામનગરના પ્રકૃતિ પ્રેમીઓની સંસ્થાના હોદ્દેદારો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગર નજીક આવેલા પીરોટન ટાપુ પર વર્ષોથી પ્રકૃતિ મંડળો દ્વારા પ્રકૃતિ શિક્ષણ શિબિર અને નેચર ટૂર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. પ્રવાસીઓની અવર-જવર હોવાના કારણે દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતા તત્વો આ ટાપુઓ પર આશ્રય લેવા માટે આ સ્થાનને અસુરક્ષિત માનતા.
સુરક્ષાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને વારંવાર આ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મુકતા. પીરોટન ટાપુ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધના પરિણામે અહીં અનેક નાના મોટા ધાર્મિક સ્થળો ઉભા થઈ ગયા, જેનાથી દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતા તત્વોને મોકળું મેદાન મળી ગયું હતું.
ધર્મની આડમાં આ ટાપુઓ પર ચરસ, ગાંજો અને ડ્રગ્સની હેરાફેરી થવા લાગી. પ્રવાસી સહિત અન્ય વ્યવસાયિકોની અવર-જવર ઉપર પાબંદી હોવાના કારણે આ ટાપુ પર થઈ રહેલ ગેરકાદેસર દબાણ અંગેની માહિતી સરકારી તંત્ર સમય સર મળી નહિ.
જામનગર જિલ્લાની પ્રવાસન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેમજ ટાપુઓ પર થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓની જાણ તંત્ર સુધી સમય સર પહોંચી શકે તે માટે જામનગરના હોટેલ રેસ્ટોરન્ટ તથા સામાજિક સંસ્થાઓ એ આ બાબતે વર્ષ 2008માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની રૂબરૂ મુલાકાત લઈ ઉપરોક્ત બાબતે ગંભીર રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ નરેન્દ્ર મોદીએ પીરોટન ટાપુ પર સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સક્ષમ પ્રકૃતિ મંડળોને સરળ રીતે પરવાનગી મળે તેવી સુંદર વ્યવસ્થા કરી હતી.
પરંતુ જેવા નરેન્દ્ર મોદી દિલ્હી ગયા તરત જ તા.1/12/2017માં આ ટાપુ પર ફરી નજીવા કારણ ધરી મુખ્ય વન સંરક્ષક જામનગર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. જેનાં લીધે જામનગરના હોટેલ રેસ્ટોરન્ટ એસોસિયેશના તેમજ પ્રકૃતિ મંડળોઓમાં રોસ અને અસંતોષની લાગણી પ્રવર્તી હતી.
વિશ્વપ્રસિદ્ધ એવા પીરોટન ટાપુ જેવા સ્થળે ફરીથી કોઈ દબાણ ન થાય, તેની તંત્ર તકેદારી રાખે, ઉપરાંત પ્રકૃતિ પ્રેમી જેવી સંસ્થાઓને ફરીથી અહીં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવે, તેવી જામનગરની સંસ્થા નવાનગર નેચર એન્ડ એડવેન્ચર કલબ ઉપરાંત અન્ય સંસ્થાના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેકટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.