મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓના વીડિયો વાયરલ કરવાનો દેશવ્યાપી ગંદો ધંધો: 3 રાજ્યમાં તપાસ
Payal maternity hospital controversy : મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદો ધંધો ચાલી રહ્યો છે. આવો ચોંકાવનારો ઘટસ્ફોટ અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ થયો છે. ફરિયાદ નોંધીને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફના નિવેદનો નોંઘ્યાં હતાં. ઊંડાણભરી તપાસમાં બે શકમંદોના નામ ખુલતાં તપાસનો ત્રણ રાજ્ય સુધી વિસ્તારવામાં આવી છે. મહિલા સન્માનને ઠેસ પહોંચાડે તેવી વીડિયો વાયરલ થવાની ઘટનામાં હોસ્પિટલોની પણ ગુનાહીત બેદરકારી જણાઈ રહી છે.
રાજકોટની પાયલ મેટરનિટી હોમમાં નિવેદનો બાદ વધુ બે નામ ખૂલ્યાં
રાજકોટની હોસ્પિટલમાં પ્રસુતા અને અન્ય પ્રકારની ખાનગી કહી શકાય તેવી સારવાર માટે આવેલી મહિલાઓની તપાસના પ્રાઈવેટ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ઉપર વાયરલ થયાની વિગતોમાં તથ્ય જણાતાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંઘ્યો હતો. અમદાવાદ અને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળી પાયલ મેટરનીટી હોમમાં તપાસ કરી ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. પાયલ મેટરનીટી હોમના સંબંધીત ડોકટરો અને સ્ટાફની આજે પુછપરછ કરી નિવેદનો પણ લીધા હતા. રાજકોટમાં સાયબર લેબોરેટરી તપાસમાં જોડાતાં બે શકમંદોના નામ ખુલતાં આંતરરાજ્ય તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં તપાસ અને પૂછપરછ બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમોને દોડતી કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે, પ્રસૂતાઓના વીડિયો વાયરલ કરવાનો ગંદો ધંધો દેશવ્યાપી હોવાનું જણાઈ આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાંથી આ પ્રકારના કારસ્તાન કરતી ટોળકીઓ સક્રિય હોવાનું જણાઈ આવ્યું છે. જો કે, આ પ્રકારના વીડિયો મેળવવા માટે નિશ્ચિત શખ્સો સક્રિય હોવાની વિગતો મળતાં ત્રણ રાજ્યોમાં તપાસ હાથ ધરાઈ છે. ઊંડી તપાસના પગલે પ્રસૂતાઓ અને મહિલાઓના હોસ્પિટલમાં ખાનગી વીડિયો વાયરલ કરવાના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, યુટ્યુબ અને ટેલિગ્રામની ચેનલો ઉપર માત્ર રાજકોટના નહીં ગુજરાતના અન્ય શહેરો ઉપરાંત ત્રણ રાજ્યોની મેટરનિટી હોસ્પિટલોના વીડિયો અપલોડ થયાં છે. આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરવા પડે છે. મનોવિકૃતી સંતોષવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર આવા વીડિયો જોવા માટે રૂ. 200થી 1000 સુધીનો ચાર્જ પણ ભરતાં હોવાની વિગતો પોલીસને મળી છે. રાજકોટ ઉપરાંત ગુજરાતની અન્ય કઈ કઈ હોસ્પિટલોમાંથી આ પ્રકારના વીડિયો સોશ્યલ મિડીયા ચેનલો ઉપર વાયરલ થયાં છે તે અંગે ઊંડાણભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉચ્ચ પોલીસ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રકારે ખાનગી હોસ્પિટલોમાં તબીબો અને સ્ટાફની સામે આક્ષેપો ન થાય તે માટે મુકવામાં આવતાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાંથી વીડિયો બનાવીને વેચવામાં આવતાં હોવાનું આયોજનબઘ્ધ નેટવર્ક હોવાનું સ્પષ્ટ જણાય છે. મહિલા સન્માનને અસરકર્તા આ ગંદા ધંધામાં રાજકોટ, ગુજરાત કે બીજા રાજ્યોની અમુક હોસ્પિટલોની પણ ગુનાઈત બેદરકારી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. મુખ્ય સૂત્રધારો ઝડપાયા પછી જ પાયલ મેટરનીટી હોમના સીસીટીવી ફૂટેજ કેવી રીતે મેળવ્યા તેનો ખુલાસો થશે. હોસ્પિટલના સ્ટાફે સીસીટીવી ફુટેજ હેક થયાનો બચાવ કર્યો તે શકયતા પણ હાલ પોલીસ નકારતી નથી. ઊંડી તપાસ બાદ નજીકના ભવિષ્યમાં મોટા ખુલાસા થઈ શકે છે.
પાયલ મેટરનિટી હોમના તબીબો અને સ્ટાફના અમદાવાદ સાયબર ક્રાઈમે નિવેદનો નોંઘ્યાં
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે પાયલ મેટરનીટી હોમના સંબંધીત ડોકટરો અને સ્ટાફની આજે પુછપરછ કરી નિવેદનો પણ લીધા હતા. રાજકોટમાં સાયબર લેબોરેટરી છે. જેના સ્ટાફને પણ કામે લગાડાયા છે. તપાસ કરતાં બે શકમંદોના નામ મળ્યા છે. જે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમને આપી દેવામાં આવ્યા છે તેમ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.
રાજકોટના પાયલ મેટરનીટી હોમમાં મહિલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ અને સૂત્રોચ્ચાર
રાજકોટની પાયલ મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની તપાસ અને સારવારના પ્રાઈવેટ વીડિયો વાયરલ થવાના મામલે આજે મહિલા કોંગ્રેસે હોસ્પિટલે ધસી જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના મહિલા કાર્યકરોએ હોસ્પિટલે જઈ પાયલ હોસ્પિટલ હાય-હાય, હોસ્પિટલ બંધ કરો તેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. હોસ્પિટલમાં અંદર જઈ ડોકટરોને રજૂઆત કરવાની માંગ પોલીસે નહીં સ્વીકારતા બને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી. આ ઉપરાંત ત્યાં હાજર ડોકટરો સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે કોઈપણ ભોગે હોસ્પિટલમાં અંદર પ્રવેશ આપ્યો ન હતો.