સુરત નજીકના પલસાણામાં નેશનલ ટ્રેડિંગ કંપનીનું કરોડોનું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું
Bogus Billing Scam: કોઈ અન્ય વ્યક્તિના નામે ખાતું ખોલાવીને ઓથોરાઈઝ સિગ્નેટરી તરીકે પોતાની પાસે ખાતાના તમામ અધિકાર રાખનાર સુરત નજીકના પલસાણા વિસ્તારની નેશનલ ટ્રેડિંગ કંપની તરીકે રજિસ્ટર થયેલી કંપનીનું કરોડોનું બોગસ બિલિંગ કૌભાંડ પકડાયું હોવાની જીએસર્ટી કચેરીના જાણકાર સૂત્રોનું કહેવું છે. બોગસ બિલિંગ કરીને એક જ મહિનામાં બેન્ક ખાતામાં રૂા.10 કરોડના વહેવારો થયા હોવાનું બહાર આવ્યું છે.
રાષ્ટ્રીયકૃત બેન્કના ખાતામાં ટૂંકા ગાળામાં રૂ. 10 કરોડના વહેવારો થતા કૌભાંડ ઝડપાયું
આ જ પાર્ટીના અન્ય ખાતાઓ ખાનગી અને રાષ્ટ્રીય કૃત બેન્કોમાં ખાતાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પાર્ટી એસ ટ્રેડિંગ કંપની અને સોલંકી એન્ટરપ્રાઈસ નામની અન્ય કંપનીઓ પણ ચલાવીને તેમાં પણ બોગસ બિલિંગ કરીને ઈનપુટ ટેક્સક્રેડિટ ગેરકાયદે ઉપાડી લેવાના કૌભાંડ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બેન્કે પાર્ટીને નોટિસ આપીને એકાઉન્ટ સીલ કર્યા
બેન્કે સંભવતઃ તંત્રમાં ઉપર જાણ કરી હોવાથી પાર્ટીના એકાઉન્ટ સીલ કરીને બેન્કે પાર્ટીને નોટિસ આપી હોવાનું પણ જાણકાર સૂત્રોનું કહેવું છે. આ પાર્ટી બોગસ બિલિંગનો માસ્ટર માઈન્ડ હોવાનું જીએસટી કચેરીનું માનવું છે. તેથી જ તે વ્યક્તિના નામ સાથે સંકળાયેલા અન્ય તમામ ખાતાઓની તલાશ ચાલુ કરી દેવામાં આવી રહી છે. આ કૌભાંડમાં બહુ જ મોટી રકમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઊઠાવી લેવામાં આવી હોવાનું બહાર આવે તેવી સંભાવના જીએસટી કચેરીના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
એક જ મહિનામાં બીજી બેન્કમાંથી ત્રણથી ચાર કરોડના વહેવાર
એક જ મહિનામાં બીજી એક બેન્કના ખાતામાં ત્રણથી ચાર કરોડના વહેવારો થયા હોવાથી બેન્કને પણ તેમના વહેવારોમાં શંકા પડી હોવાથી તેમના ખાતાને વોચ હેઠળ રાખવામાં આવ્યા છે. આ ખાતામાંથી અન્ય જે ખાતામાં વહેવારો એટલે કે લેવડદેવડ થઈ રહી હોય તે તમામ ખાતાઓ જીએસટી કચેરીની બાજનજર હેઠળ છે. તેમ જ બેન્કોને પણ એલર્ટ મોકલી આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: આણંદમાં ઓવરટેકના ચક્કરમાં ગમખ્વાર અકસ્માત, લક્ઝરી બસ-ટ્રક સામ-સામે ટકરાતાં 3 મોત
રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કોના ખાતા સીલ
કરોડોની અને સંભવતઃ અબજોની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપાડી લેનાર આ માસ્ટર માઈન્ડની મોડસ ઓપરેન્ડિની વાત કરતાં જીએસટી કચેરીના સૂત્રોનું કહેવું છે કે તે કોઈ અન્ય વ્યક્તિને નામે બેન્ક એકાઉન્ટ ખોલાવે છે. બેન્ક એકાઉન્ટને ઓપરેટ કરવા માટે ચેકબુક અને અન્ય તમામ ઓથોરિટી પોતાને હસ્તક રાખે છે. ત્યારબાદ બેન્ક એકાઉન્ટના તમામ વહેવારો પોતાની સહીથી જ ચલાવતા હોવાનું જોવા મળી રહ્યું છે.
ડિપાર્ટમેન્ટે તપાસ ચાલુ કરી
બેન્કને આર્થિક વહેવારો અંગે શંકા જતાં બેન્કે મૂળ ખાતેદારને બેન્કમાં હાજર કરવાની નોટિસ આપી હતી. પરંતુ બેન્કમાં હાજર કરવામાં આવેલા ખાતેદાર તરીકે હાજર કરેલી વ્યક્તિ જ શંકાસ્પદ જણાતા બેન્કે ખાતું સીલ કરીને તેની સાથે કનેક્ટેડ તમામ એકાઉન્ટધારકોને ઝડપી લેવા માટે કવાયત ચાલુ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.