રાષ્ટ્રીય દૂધ દિવસ : વડોદરા જિલ્લાની 680 દૂધ મંડળીઓમાં 104613 પશુપાલકો જોડાયેલા, દૈનિક 5.83 લાખ કિલો દૂધની આવક
Vadodara : દૈનિક આહાર શૈલીના અતૂટ અંગ એવા દૂધ વિના એક પણ દિવસ ના ચાલે. વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોની દૂધની દૈનિક જરૂરિયાત પૂરી કરવા માટે પશુપાલકો અથાક મહેનત કરે છે અને વડોદરા ડેરીના માધ્યમથી સૌને દૂધ પહોંચાડે છે. વડોદરામાં દૈનિક 5.83 લાખ કિલો દૂધ એકત્ર કરવામાં આવે છે અને તેને યોગ્ય પ્રક્રિયામાંથી પસાર કરી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે. તા.26ના રોજ મનાવાતા રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે કેટલીક વિગતો જાણવી રસપ્રદ રહેશે.
ભારતીય સફેદ ક્રાંતિના પ્રણેતા ડૉ.વર્ગીસ કુરિયનના જન્મદિન તા.26મી નવેમ્બર નિમિતે ડેરી ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ઠ યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 'રાષ્ટ્રીય દૂધ દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે. આ વિશેષ દિવસ, દેશના ડેરી ક્ષેત્ર તથા સહકારી ક્ષેત્રોની સિદ્ધિઓના મહિમા મંડનનો દિવસ છે.
વડોદરા જિલ્લાની વાત કરીએ તો વર્ષ 2023-24 દરમ્યાન જિલ્લાની દૂધ સહકારી મંડળીઓમાં દ્વારા કુલ 11.53 કરોડ કરતા વધુ લીટર દૂધનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે. આ જ સમયગાળાની સ્થિતિએ જિલ્લાની 680 દૂધ મંડળીઓમાં 104613 પશુપાલકો જોડાયેલા છે.
રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા નક્કર કદમ અને પશુપાલનને લગતી યોજનાઓના સુદ્રઢ અમલીકરણના કારણે દૂધ ઉત્પાદન પણ વધ્યું છે. વર્ષ 2013-14 થી ક્રમશઃ વર્ષ 2022-23 સુધી વડોદરા ડેરી દ્વારા એકત્ર કરાયેલા આંકડા જોઇએ તો 4.53 લાખ કિલો, 4.73 લાખ, 5.85 લાખ, 6.52 લાખ, 6.49 લાખ, 7.12 લાખ, 6.24 લાખ, 6.15 લાખ, 6.66 લાખ, 6.03 લાખ કિલો દૂધ આ દાયકમાં એકત્ર કરવામાં આવ્યું હતું. વર્ષ 2023-24માં 5.83 લાખ કિલો દૂધ વડોદરા શહેરમાં આવ્યું છે. તેમ નાયબ પશુપાલક નિયામક ડો. ધવલ માંડવિયાએ જણાવ્યું હતું.
તમને એ જાણવાની પણ જિજ્ઞાસા થાય કે આટલું દૂધ ક્યાંથી આવે છે ? તો તેનો જવાબ છે કે, વડોદરા ડેરીમાં સૌથી વધુ દૂધ તિલકવાડાના વોરા ગામમાંથી પ્રતિદિન 9463 કિલો દૂધ આવે છે. એ જ રીતે જેતપુર પાવી તાલુકાના વાંકી ગામથી પ્રતિ દિન 8511 કિલો અને વાઘોડિયાના શંકરપૂરા ગામમાંથી 3392 કિલો દૂધ વડોદરામાં આવે છે.
પશુપાલનને હવે તો વ્યવસાય તરીકે પણ વ્યાપકપણે સ્વીકારવામાં આવી રહ્યો છે. એક પશુપાલકની આવક જાણીને તમારી આંખો પહોળી થઇ જશે ! તિલકવાડા તાલુકાના વોરા ગામના દાણાભાઇ વજેસિંહ આંબલિયા વાર્ષિક 82187 કિલો ભેંસનું દૂધ મંડળીમાં ભરે છે અને તેને રૂ.46.24 લાખની આવક થાય છે. આટલી રકમનું પેકેજ તો આઇઆઇટી-મુંબઇમાં અભ્યાસ કર્યા બાદ પણ નહીં મળતું હોય !
વડોદરા જિલ્લામાં સૌથી વધુ આવક પાદરા તાલુકાના ગામેઠા ગામના પશુપાલક ઘનશ્યામભાઇ રણછોડભાઇ પઢિયારને થાય છે. તેમની પાસે 25 ભેંસ અને 15 ગાય છે. તેઓ વાર્ષિક 26411 કિલો ભેંસનું દૂધ અને વાર્ષિક 20523 કિલો ગાયનું દૂધ ભરે છે. આમાંથી તેમને વાર્ષિક રૂ.21.63 લાખની આવક થાય છે.