Get The App

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અવ્યવસ્થા બાદ તંત્રમાં દોડધામ, બસ-હોડીઓની સંખ્યા વધારાઈ

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
Narmada Parikrama 2025

Narmada Parikrama Facilities: રજાના દિવસોમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની વ્યવસ્થા પડી ભાંગતા તંત્ર દોડતું થયું છે. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસની રજાના સમયગાળામાં અંદાજે 8થી 10 લાખ પરિક્રમાવાસી ઉમટી પડતાં અંધાધૂંધી સર્જાઇ હતી. પરિક્રમાવાસીઓએ રોષે ભરાઈને કહ્યું હતું કે, 'મહાકુંભની વ્યવસ્થા પરથી રાજ્યના અધિકારીઓએ બોધ લેવા જેવો હતો.' આ ઉપરાંત ભક્તોનું ઘોડાપૂર ઉમટતાં અવ્યવસ્થાને કારણે અનેક પરિક્રમાવાસીઓને અધવચ્ચેથી પરત ફરવું પડયું હતું.

આ કારણસર તંત્રએ પરિક્રમાવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી 20 જેટલી બસો મંગાવી હતી. આ સિવાય હાલ 50 હોડી ઉપલબ્ધ છે અને વધારાની 30 હોડી મંગાવાઈ છે. આ ઉપરાંત કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે SDRFના જવાનો પણ તહેનાત કરાયા છે. 

લાખો ભક્તોનો ધસારો 

નર્મદા જિલ્લામાં ચાલતી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગત શનિવાર અને રવિવારના રોજ અચાનક કુલ 8થી 10 લાખ પરિક્રમાવાસી આવી ગયા હતા, જેને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. આગામી 17થી 20 એપ્રિલ તેમજ પરિક્રમા છેલ્લા પડાવ એટલે કે 25થી 27 એપ્રિલે પહોંચે છે, ત્યારે હજુ વધુ ભક્તો આવે તેવા અણસાર છે. આ સ્થિતિમાં 12 એપ્રિલે જે બન્યું તેવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય તે માટે નર્મદા જિલ્લા કલેકટરે તાત્કાલિક રામપુરા મંદિર ખાતે સંબંધિત અધિકારીઓ, પોલીસ વિભાગ, સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકો સાથે એક બેઠક યોજી હતી. 

અન્ય કેટલાક નિર્ણય પણ લેવાયા 

આ દરમિયાન ખાસ કરીને હોડીઓની સંખ્યામાં વધારો કરાયો છે. રસ્તામાં નવા ટેન્ટની જરૂરિયાત છે ત્યાં નવા ટેન્ટ પણ ઊભઆ કરાશે. હોડીઓ માટે એજન્સીએ ફરજિયાત 200 લિટર ડીઝલ સ્ટોકમાં રાખવું પડશે. જ્યાંથી પરિક્રમાવાસીઓ હોડીમાં બેસે છે, ત્યાં હાલ 14 જેટી છે તેમાં બીજી 11 નવી જેટી બનાવાશે. હાલ 50 હોડી ચાલી રહી છે, જેમાં બીજી 20 હોડી વધારીને 70 કરાશે. તેમાં પરિક્રમવાસીઓને રેંગણ ઘાટથી નદી પાર કરાવાશે. પરિક્રમા પથ પર લાઈટોની વ્યવસ્થા છે, પરંતુ હજુ જ્યાં જરૂર છે ત્યાં લાઈટોમાં પણ વધારાશે. 

Tags :