જયેશ રાદડીયા સાથે ખટરાગ અંગે નરેશ પટેલે કહ્યું-અમે ઘરની વાત ઘરમાં રાખી શકતા નથી
ઈફ્કોની ચૂંટણીમાં ખોડલધામના દિનેશ કુંભાણી રાદડીયા વિરૂધ્ધ પડયા હતા : આજે સ્થિતિ એવી છે કે રાજકીય રીતે એક્ટીવ ન રહીએ તો સમાજના કામ નથી થતા, આથી રાજકારણમાં રહીએ તેથી અમને ટાર્ગેટ કરાય છે
રાજકોટ, : જાહેરમાં રાજકારણમાં અંદર આવનારા જયેશ રાદડીયા અને બહાર રહીને રાજકારણીને મદદ કરતા નરેશ પટેલ વચ્ચે આંતરિક ખટરાગ ભારે ચર્ચાનો વિષય બનેલ છે. ત્યારે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મિડીયા સમક્ષ આવીને જણાવ્યું કે સરદાર પટેલે કહ્યું હતું કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ પણ અફસોસ છે કે અમે જ વાત ઘરમાં રાખી શકતા નથી.
જયેશને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ખોડલધામ તેની પડખે ઉભુ છે તે ભુલવાની જરૂર નથી. દ્વારા જે મદદ કરાઈ છે તે તેણે ભૂલવી ન જોઈએ તે યાદ કરાવીને નરેશ પટેલે કહ્યું આજે સ્થિતિ એવી છે કે જો અમે રાજકીય રીતે એક્ટીવ ન રહે તો સમાજના કામો ન થાય. આથી અમારે એક્ટીવ રહેવું પડે છે અને તેથી અમને ટાર્ગેટ કરવામાં આવે છે. જો કે પોતે રાજકારણમાં સીધા એક્ટીવ નહીં રહે પણ સમાજમાં જે એક્ટીવ છે તેને સપોર્ટ કરશે તેમ જણાવ્યુ હતું.
તેમણે કહ્યું કે સમાજના નેતાઓ વચ્ચે તિરાડ ઉભી કરવા કોઈ પ્રયાસ કરતું હોય તે શક્ય છે. કારણ કે સમાજ બહુ મોટો છે અને આજની પરિસ્થિતિ દસ વર્ષ પહેલાની સ્થિતિ કરતા જુદી છે અને આવું બધુ ચાલતું રહેવાનું છે.
આ અંગે જયેશ રાદડીયાનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે શંુ વાંધો તે નરેશ પટેલ જ કહી શકે, હું જરૂર પડયે અને સમય આવ્યે મારી વાત રજૂ કરીશ.
ઉલ્લેખનીય છે કે ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં નરેશ પટેલની નજીક મનાતા ખોડલધામના દિનેશ કુંભાણીએ પ્રદેશ ભાજપમાં મેન્ડેટ લાવ્યા હતા. જે સીધું રાદડીયાની વિરૂધ્ધમાં હતું. પરંતુ, રાદડીયા પોતાના બળથી ચૂંટણી જીતી ગયા હતા. બાદમાં કહે છે કે સામે પડનારા પ્રતિસ્પર્ધીનું ખાતર ખરીદવાનું તેણે બંધ કર્યું હતું. તો આ પહેલા ધારાસભાની ચૂંટણીમાં રાદડીયાની વિરૂધ્ધમાં કામ કરાયાની પણ ચર્ચા છે. આમ, આંતરિક ગજગ્રાહ લાંબા સમયથી ચાલી રહ્યો છે.