ઝમઝમ એન્ટરપ્રાઇઝ નામે ધંધો કરતા ફોઇબાના દીકરાની કરતૂત: નાનપુરાની મહિલા સાથે મીનરલ વોટર ધંધામાં કમિશનની લાલચે રૂ. 1.55 કરોડની છેતરપિંડી
- ડિસેમ્બર 2020 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં આર્થિક મદદ લીધીઃ રૂ. 1.55 કરોડની સામે કમિશન પેટે રૂ. 51.98 લાખ ચુકવ્યા બાદ હાથ ઉંચા કર્યા
સુરત
સુરતના નાનપુરા મક્કાઇ પુલ નજીક જે.કે. કન્સલટન્સી નામે લોન એજન્ટની ઓફિસ ધરાવનાર મહિલાના ઝમઝમ એન્ટરપ્રાઇઝ નામે મીનરલ વોટરનો ધંધો કરતા ફોઇબાના દીકરાએ ધંધામાં આર્થિક મદદ કરશો તો એક બોટલ ઉપર કમિશન પેટે રૂ. 2 આપવાની લાલચ આપી ટુક્ડે-ટુક્ડે રૂ. 1.55 કરોડ પડાવી લીધા બાદ કમિશન ચુકવવાનું બંધ કરી દેતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે.
નાનપુરા મક્કાઇ પુલ નજીક જે.કે. કન્સલટન્સી નામે લોન એજન્ટની ઓફિસ ધરાવતા ઉઝમાબાનુ મોહમદ સાદ્દીક અબ્દુલ કાદર મલેક (ઉ.વ. 39 રહે. એ વિંગ, પાલ પેલેસ, મુગલીસરા, ચિંતામણી નજૈન દેરાસર પાસે, શાહપોર, સુરત) ને વર્ષ 2020 માં તેના ઝમઝમ એન્ટરપ્રાઇઝ નામે મીનરલ વોટરનો ધંધો કરતા ફોઇબાના દીકરા મોહમદ હારીષ મોહમદ શોએબ માસ્ટર (ઉ.વ. 26 રહે. લક્ઝુરીયસ ફ્લેટ, જૂની સિવિલ હોસ્પિટલ પાછળ, નાનપુરા, સુરત) એ ધંધામાં આર્થિક મદદ કરશો તો એક બોટલ ઉપર બે રૂપિયા કમિશન આપવાનું કહ્યું હતું. જેથી ઉઝમાબાનુએ શરૂઆતમાં ટુક્ડે-ટુક્ડે ડિસેમ્બર 2020 થી સપ્ટેમ્બર 2022 દરમિયાનમાં રૂ. 9.40 લાખ આપ્યા હતા. જેની સામે કમિશન પેટે રૂ. 9.42 લાખ હારીશે ચુકવ્યા હતા. ત્યાર બાદ હારીશે સમયાંતરે ધંધા માટે વધુ રૂપિયાની જરૂર છે અને પાણીનો નવો પ્લાન્ટ શરૂ કરવો છે એવું કહેતા ઉઝમાબાનુએ પોતાના તથા પતિના નામે લોન લઇ ઉપરાંત સુરત અને અમેરિકામાં રહેતા સગાસંબંધી અને મિત્રવર્તુળ પાસેથી ઉછીના લઇ ટુક્ડે-ટુક્ડે વર્ષ 2020 થી 2023 દરમિયાનમાં રોકડા રૂ. 69.99 લાખ અને રૂ. 85.30 લાખ બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા. જેની સામે કમિશન પેટે રૂ. 51.98 લાક હારીશે ચુકવ્યા હતા. પરંતુ સપ્ટેમ્બર 2023 બાદથી મોહમદ હારીશે કમિશન ચુકવવાનું બંધ કરી દીધું હતું અને ઉઘરાણી કરતા વાયદા ઉપર વાયદા કર્યા બાદ ગાળાગાળી કરી હતી.