નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ: તમામ 8 આરોપી નિર્દોષ જાહેર, ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો
Bhuj News : કચ્છ જિલ્લાના નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ મામલે ભુજ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં 8 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2017ના કેસમાં ભાજપના કેટલાક નેતાઓના નામ ખુલ્યા હતા. જ્યારે કેસ મામલે ફરિયાદી પીડિતા હોસ્ટાઈલ થઈ જતાં કેસ નબળો બન્યો. બીજી તરફ, પુરાવાના અભાવે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા.
નલિયા સામૂહિક દુષ્કર્મ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર
નલિયા સામૂહિક દુષ્કર્મ કેસની ચકચારી ઘટનાને લઈને સરકારે કેસની તપાસ માટે SITની રચના કરી હતી. ભાજપના નેતાઓને સાંકળતા નલિયા દુષ્કર્મ કેસ મામલે ભુજ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં ભુજ સેશન્સ કોર્ટ દ્વારા 2017ના નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં ચુકાદો આપીને તમામ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. કેસના ટ્રાયલ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Video: રાજકોટમાં 350 સાઈલેન્સર થઈ ગયા સાઈલેન્ટ, પોલીસે ફેરવ્યું રોડ રોલર
શું હતી સમગ્ર ઘટના?
કચ્છના નલિયામાં દુષ્કર્મની પીડિતાએ 25 જાન્યુઆરી 2017ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે એક મહિનાની અંદરમાં તમામ આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે કેસમાં ભાજપના નેતાના નામ સામે આવતા રાજકીય હોબાળો મચ્યો હતો. જેમાં ભાજપ સાથે સંકળાયેલા આરોપીઓને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કેસની ગંભીરતાને જોતા સરકાર દ્વારા ખાસ સરકારી વકીલની નિમણૂક કરી હતી. તેમજ કેસની તપાસ માટે SITની રચના કરાઈ હતી. પરંતુ કેસની મુખ્ય સાક્ષી ફરિયાદી પીડિતા હોસ્ટાઈલ થઈ જતાં કેસ નબળો બન્યો હતો. જ્યારે પુરાવાના અભાવે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા.